GST સુધારાથી સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચને મળશે પ્રોત્સાહન
નવી દિલ્હીઃ GSTમાં કરાયેલા સુધારાનો એક મોટો સકારાત્મક પ્રભાવ ભારતીય સેના પર પણ થવાનો છે. આ વિષય પર માહિતી આપતાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચમાં આથી ઘણો લાભ થશે. પહેલાની સરખામણીએ વધુ સંશોધન કાર્ય થઈ શકશે, તેમજ સેનાના નવા સાધનો પણ ખરીદી શકાશે. સૌથી મોટી વાત એ છે કે મિલિટરી યુએવી (UAV) પર જી.એસ.ટી. શૂન્ય કરી દેવાયો છે, જેનાથી સેનામાં તેનો ઉપયોગ વધુ પ્રોત્સાહિત થશે.
સેના પ્રમુખના જણાવ્યા મુજબ, ભવિષ્યના યુદ્ધોમાં આવા આધુનિક સાધનોની ખૂબ મોટી ભૂમિકા રહેવાની છે. ભારતીય સેના પ્રમુખે શુક્રવારે સાંજે દિલ્હીમાં ‘ઑપરેશન સિંદૂર’ પર લખાયેલી એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ તેમણે આ વાતો કરી. જી.એસ.ટી.માં કરાયેલા સુધારાને લઈને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે સૌપ્રથમ તો હું આ સરકારનો આભાર માનું છું. સૌથી મોટી વાત એ છે કે આ નિર્ણયોથી અમારા ડિફેન્સ કોરિડોરને ઘણું પ્રોત્સાહન મળશે.
તેમણે કહ્યું કે ડિફેન્સ કોરિડોરમાં પહેલા કરતા વધારે રોકાણ કરી શકાશે અને તેનું રિઝલ્ટ બે ગણું મળશે. સેના પ્રમુખે જણાવ્યું કે જી.એસ.ટી. સુધારાની સકારાત્મક અસર રક્ષા ઉદ્યોગ સાથે જોડાયેલા MSME અને સ્ટાર્ટઅપ્સ પર પણ પડશે. MSME અથવા સ્ટાર્ટઅપ્સ પાસે ફંડ ઓછું હોય છે અને તેની અછતને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જી.એસ.ટી. ઘટવાના કારણે તેમને ઘણું બૂસ્ટ મળશે. સેના પ્રમુખે કહ્યું કે ભારતીય સેના ત્રણ બાબતો પર મુખ્યત્વે ધ્યાન આપે છે – સંશોધન અને વિકાસ , ટ્રેનિંગ અને આધુનિકીકરણ. તેમણે જણાવ્યું કે સંશોધન અને વિકાસ માટે અમારી પાસે અનેક પ્રોજેક્ટ છે, જેમ કે IDEX અને અન્ય. હવે સંશોધન અને વિકાસ પર લાગતો જી.એસ.ટી. અમને પાછો મળી જશે, એટલે કે વધુ લોકો આ ક્ષેત્રમાં રોકાણ કરી શકશે.
સેનાપ્રમુખે ટ્રેનિંગ ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે ભારતીય સેના ટ્રેનિંગ માટે અનેક સિમ્યુલેટરનો ઉપયોગ કરે છે. આ સિમ્યુલેટર પર જી.એસ.ટી. લાગતો હતો, પરંતુ હવે જીરો જી.એસ.ટી. લાગશે એટલે આપણે પહેલા કરતા વધુ સિમ્યુલેટર ખરીદી શકીશું. પરિણામે વધુ જવાનોને ટ્રેનિંગ માટે સુવિધા મળી શકશે. આધુનિકીકરણ અંગે વાત કરતાં સેનાપ્રમુખે જણાવ્યું કે અમારા પાસે ભારે તેમજ હલકા બન્ને પ્રકારના સૈન્ય સાધનો છે. ભારે સાધનો પર જી.એસ.ટી. 18 ટકા પરથી ઘટીને 5 ટકા થઈ ગયો છે. જેના કારણે સાધનોના આધુનિકીકરણ અને અપગ્રેડેશનમાં ઘણો લાભ થશે. ખાસ કરીને મિલિટરી યુએવી (ડ્રોન) પર જી.એસ.ટી. 0% રાખવામાં આવ્યો છે. સેનાપ્રમુખે કહ્યું કે આથી બહુ મોટો ફાયદો થશે. તેમનું માનવું છે કે ભવિષ્યના યુદ્ધોમાં યુએવી, ડ્રોન અને કાઉન્ટર યુએવીની ખૂબ મોટી ભૂમિકા રહેશે. ભારતીય સેનાપ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ સુધારાઓ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ ભારતીય સેના માટે એક મોટી ખુશખબર છે.