ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર GSTના દરોડા, 37 કરોડની કરચોરી પકડાઈ
- લાકડાંનું રોકડમાં વેચાણ કરી 18 ટકા જીએસટીની ચોરી કરતા હતા
- એક વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા, ડિજિટલ ડેટા જપ્ત કરાયા
- જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ
ગાંધીધામઃ કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડ્યા હતા, સર્ચ દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા 18 ટકા જીએસટીની ચોરીના પુરાવા મળ્યા હતા. દરોડા દરમિયાન પાંચ પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામની એમ. કે. ટિમ્બર, કંપની, વી. આર. વૂડ કેમ પ્રા.લિમિટેડ, એમ. કે. ટિમ્બર એન્ડ ટ્રેડર્સ, શ્રી શ્યામ વૂડ, સરસ્વતી વૂડ પ્રા. લિમિટેડ અને વધુ એક પેઢી પર ડીજીજીઆઈના દરોડા પડ્યા હતા. આ પેઢીઓ ઇમ્પોર્ટેડ વૂડની આયાત કરીને બિલ વગર રોકડમાં વેચાણ કરતા હોવાના ડીજીજીઆઈને ધ્યાનમાં આવ્યું હતું, જેના આધારે આધારે ગાંધીધામની પાંચ પેઢીઓ પર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં એમ. કે. ટિમ્બર, એમ. કે. ટિમ્બર ટ્રેડર્સ અને વી. આર. વૂડ કેમ એક જ પરિવારના સભ્યો તેમ જ શ્રી શ્યામ વૂડ, સરસ્તવતી વૂડ પ્રા. પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં સરસ્વતી વૂડ પ્રા. પેઢીમાંથી મળેલા હિસાબી સાહિત્યના આધારે વધુ એક વૂડની પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીજીજીઆઈને દરોડા દરમિયાન પેઢીઓ પાસેથી રૂ. 37 કરોડની ટેક્સ ચોરી મળી આવી હતી. આ ઉપરાંત રૂ. 43 કરોડ રોકડા પેઢીના ઘરમાંથી મળ્યા હતા. પેઢીના સંચાલકોના મોબાઇલ ફોન અને લેપટોપના ડિજિટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.