જામનગરના બ્રાસ ઉદ્યોગ પર GST વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, વેપારીઓમાં ફફડાટ
- GSTની ટીમે સાત વાહનોમાંથી બ્રાસનો સામાન જપ્ત કર્યો,
- બંને એસોસિએશનના હોદ્દેદારો આગેવાનો રજૂઆત માટે દોડી ગયા,
- ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા GST વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક,
જામનગર: શહેરમાં ગઈકાલે મંગળવારે મોડી સાંજે અમદાવાદથી આવેલા જીએસટીના અધિકારીઓએ ટેક્સટોરી અંગે તપાસ શરૂ કરી હતી. શહેરના શંકર ટેકરી ઉદ્યોગ નગરમાંથી પસાર થઈ જીઆઇડીસી સામેના સાંઢીયા પુલ નજીક જ જીએસટીની સ્ક્વોડ ત્રાટકી હતી અને અનેક વાહનોને આંતરી માલસામાન જપ્ત કર્યો હતો, જેના કારણે વેપારીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. જીએસટી વિભાગની ટીમે 7 વાહનોમાંથી બ્રાસપાર્ટ્સનો માલસામાન જપ્ત કર્યો છે.
જીએસટી વિભાગની ચેકિંગ સ્ક્વોડની ટીમ મંગળવારે મોડી સાંજે અમદાવાદથી આવીને જામનગરના બ્રાસ ઉદ્યોગના ધંધાર્થીઓ ઉપર ત્રાટકી હતી. જ્યાં રસ્તા ઉપરથી બ્રાસપાટનો માલ ભરીને પસાર થતાં 8થી 9 વાહનોને રોકીને તેમનો માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે ઉદ્યોગ નગરમાંથી ઉદ્યોગકારો અને બંને એસોસિએશનના હોદ્દેદારો આગેવાનો રજૂઆત માટે દોડી ગયા હતા. ત્યારે GST વિભાગની આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓ પણ ફફડી ઉઠ્યા છે.
જીએસટી વિભાગની કાર્યવાહી દરમિયાન ખાસ કરીને GIDC ફેસ 2 અને 3 સામે આવેલા વિસ્તારમાં સાંઢીયા પૂલ પાસેથી બ્રાસપાર્ટસનો માલ ભરીને પસાર થતા છકડો રિક્ષા સહિતના 8થી 9 વાહનોને રોક્યા હતા અને 136 ટકાની પેનલ્ટીની રકમ દંડ પેટે ભરવા કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક થતા તમામ વાહનોમાં ભરેલો બ્રાસપાર્ટનો માલસામાન જપ્ત કર્યો હતો. GST વિભાગની આ કાર્યવાહી અંગેની જાણ થતા જ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી કે, GST વિભાગની સ્ક્વોડ દ્વારા ચેક કરાયેલો આ માલ અર્ધ ફિનિશ માલ છે, ફિનિશ કે તૈયાર માલ નથી. જોકે અધિકારીઓએ તેમની રજૂઆતો ધ્યાને લીધી નહોતી અને કડક કાર્યવાહી શરૂ રાખી હતી, ત્યારે ઉદ્યોગકારોમાં પણ રોષ ભભૂક્યો છે.