GST કલેક્શન 9.1 ટકા વધીને 1.84 લાખ કરોડ રૂપિયા થયું
નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં ભારતનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 9.1 ટકા વધીને 1.84 લાખ કરોડ રૂપિયા થયો. ફેબ્રુઆરીમાં સતત ૧૨મો મહિનો ૧.૭ લાખ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત થઈ છે. ડેટા મુજબ, સેન્ટ્રલ GST માંથી ૩૫,૨૦૪ કરોડ રૂ., સ્ટેટ GST માંથી ૪૩,૭૦૪ કરોડ રૂ., ઇન્ટિગ્રેટેડ GST માંથી ૯૦,૮૭૦ કરોડ રૂ. અને વળતર સેસ માંથી ૧૩,૮૬૮ કરોડ રૂ. ની આવક થઈ છે.
ફેબ્રુઆરી દરમિયાન કુલ 20,889 કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. રિફંડમાં ઘટાડો કર્યા પછી, ફેબ્રુઆરીમાં ચોખ્ખી GST વસૂલાત 8.1 ટકા વધીને લગભગ 1.63 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ફેબ્રુઆરી દરમિયાન કુલ GST આવકમાં સ્થાનિક આવકમાં 10.2 ટકાનો વધારો થઈને 1.42 લાખ કરોડ રૂપિયા અને આયાતમાંથી આવકમાં 5.4 ટકાનો વધારો થઈને 41,702 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2024માં કુલ GST આવક 1.68 લાખ કરોડ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં GST કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે 12.3 ટકાના વધારા સાથે હતું.