For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટની આજી નદી ગાંડી વેલને લીધે લીલીછમ, મ્યુનિ.ની નિષ્ક્રિયતા

05:39 PM Nov 04, 2024 IST | revoi editor
રાજકોટની આજી નદી ગાંડી વેલને લીધે લીલીછમ  મ્યુનિ ની નિષ્ક્રિયતા
Advertisement
  • RMCએ 3.20 કરોડના ખર્ચે ખરીદેલા બે મશીનો ધૂળ ખાય છે,
  • નદીકાંઠા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત,
  • નદીમાં જળકૂંભી( ગાંડીવેલ)ને હટાવવાની મ્યુનિને ફુરસદ મળતી નથી

રાજકોટઃ શહેરમાં આજી નદીમાં જળકુંભી યાને ગાંડીવેલને લીધે જ્યાં નજર નાંખો ત્યાં પાણીને બદલે લીલી વેલ જોવા મળે છે, નદીમાં ગાંડી વેલને લીધે નદીકાંઠા વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી રહ્યો છે. આરએમસીએ ત્રણ-ચાર વર્ષ પહેલા નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે 3.20 કરોડના ખર્ચે બે મશીનો ખરીદ્યા હતા. પરંતુ મ્યુનિની લાપરવાહીને કારણે હાલ બન્ને મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.

Advertisement

રાજકોટ શહેરમાં ભારે ક્યુલેક્સ એટલે કે મોટા કદ અને તીવ્ર ડંખ મારતા મચ્છરોનો ત્રાસ રહ્યો છે. જેના નિવારણ માટે મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2020માં 3.20 કરોડના ખર્ચે ગાંડી વેલ દૂર કરવાના 2 મશીન ખરીદ્યા હતા. શહેરમાં બેડી યાર્ડ નજીક પસાર થતી આજી નદીમાં ગાંડી વેલના પગલે મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાતા માર્કેટ યાર્ડના ખેડૂતો, વેપારીઓ અને મજુરોએ અનેક દિવસો સુધી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કર્યું હતું. લાઠીચાર્જ થયો હતો. તત્કાલિન સમયે માર્કેટ યાર્ડ પાસે વહેતી નદીમાં ગાંડી વેલ (જળકુંભી) દૂર કરવા મહિને 9 લાખના ભાડેથી મશીન મેળવવું પડ્યું હતું. બાદમાં મ્યુનિએ આવા 2 મશીન વસાવ્યા હતા. આ મશીન ચલાવવા, જાળવણી વગેરે માટે મનપાએ એક મશીનના 1.60 કરોડ ઉપરાંત 58 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. જોકે, હાલ આ બંને મશીન ધૂળ ખાઈ રહ્યા છે.

શહેરમાં આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુંડનું આક્રમણ થવા લાગ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડી વેલની ચાદર પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. મ્યુનિની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની ગઈ છે.  આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડી વેલનો ફેલાવો થાય છે. હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડી વેલ ચાદર પથરાઇ ગઇ છે અને તેમાંથી જ મચ્છરોના ઝુંડ શહેરમાં ઘૂસી રહ્યા છે, ત્યારે મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલાં નીંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement