‘હરિત યોગ’ વ્યક્તિગત અને ગ્રહ સ્વાસ્થ્ય બંનેનું પોષણ કરે છે: પ્રતાપરાવ જાધવ
નવી દિલ્હીઃ ભુવનેશ્વરમાં આજે 6000થી વધુ યોગ પ્રેમીઓએ કલિંગા સ્ટેડિયમ ખાતે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરી ભવ્ય ઉજવણીનાં સાક્ષી બન્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૈકીની એક, 'હરિત યોગ'નો શુભારંભ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવોએ સાથે મળીને કરવા માટે ઔષધીય રોપનું વાવેતર કર્યું હતું. તમામ યોગ પ્રેમીઓને ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં યોગને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળી છે અને હવે તે વૈશ્વિક ઘટના બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 માર્ચ, 2025ના રોજ 'મન કી બાત'માં પોતાના સંબોધનમાં દૈનિક જીવનમાં ફિટનેસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલોની પ્રશંસા કરી હતી. વિશ્વની તંદુરસ્ત વસ્તી માટે ભારતનું વિઝન વહેંચતી વખતે પ્રધાનમંત્રીએ IDY2025ની થીમ 'યોગ ફોર વન અર્થ વન હેલ્થ'નો ઉલ્લેખ કર્યો હતો. આ થીમ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી આપે છે."
'હરિત યોગ' પહેલ વિશે બોલતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણું સ્વાસ્થ્ય આપણા પ્લાનેટના સ્વાસ્થ્ય સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. જેમ યોગ આપણા મન અને શરીરને પોષણ આપે છે, તેવી જ રીતે વૃક્ષારોપણ પણ પૃથ્વીને પોષણ આપે છે, જે આવનારી પેઢીઓ માટે હરિયાળું અને તંદુરસ્ત ભવિષ્ય સુનિશ્ચિત કરે છે." આ સાથે આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે 'હરિત યોગ'ના શુભારંભની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હરિત યોગ એ IDY 2025ના 10 સિગ્નેચર ઇવેન્ટ્સનો એક ભાગ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી જાધવે હરિત યોગના શુભારંભ પ્રસંગે અન્ય મહાનુભાવો સાથે ઔષધીય છોડનું વાવેતર કર્યું હતું.
યોગના ટકાઉપણા અને પર્યાવરણીય પાસાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ હરિત યોગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ'ના વિઝન સાથે સાંકળી લીધો હતો અને કહ્યું હતું કે, "આ પહેલ વ્યક્તિગત અને આપણાં ગ્રહના સ્વાસ્થ્ય બંનેના પોષણના પ્રતીકાત્મક કાર્ય તરીકે વ્યક્તિઓને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે." મંત્રીએ 'પ્રકૃતિ પરીક્ષા અભિયાન'ની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારા 1.29 કરોડથી વધુ લોકોની પ્રકૃતિ પરીક્ષા યોજવામાં આવી હતી.
ઓડિશાનાં નાયબ મુખ્યમંત્રી સુશ્રી પ્રવતી પરીદાએ યોગની શક્તિ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, "યોગ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. ચાલો આપણે યોગને આપણા રોજિંદા જીવનમાં સંકલિત કરીએ અને ભગવાન જગન્નાથની દિવ્ય ઊર્જાથી શક્તિ મેળવીએ. ઓડિશા સરકાર વતી અમે ઓડિશાને આપવા બદલ ભારત સરકાર અને આયુષ મંત્રાલયનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા ભુવનેશ્વરમાં 75માં દિવસના કાઉન્ટડાઉનનું આયોજન કરવામાં આઇડીવાય 2025નો હિસ્સો બનવાની તક આપી છે."
યોગની સફળતાને વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર તરીકે સ્વીકારતાં પુરી લોકસભાનાં સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, "આપણાં આદરણીય પ્રધાનમંત્રીનાં વિઝનને કારણે વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાની ભારતની દરખાસ્તને 177 દેશોએ સર્વાનુમતે સ્વીકારી હતી."