ગ્રેટર નોઈડા: મની લોન્ડરિંગ કેસમાં 'રિયલ્ટી ગ્રુપ' ના પરિસરમાં ED ના દરોડા
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ગ્રેટર નોઈડામાં એક મોલ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નોઈડા સ્થિત 'રિયલ્ટી ગ્રુપ' સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ પર ઘર ખરીદનારાઓ સાથે લગભગ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી 'ભસીન ઇન્ફોટેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ', તેના ડિરેક્ટર અને પ્રમોટર સતિન્દર સિંહ ભસીન અને કેટલાક અન્ય લોકો સામે કરવામાં આવી રહી છે. ED ની કાર્યવાહી વિશે માહિતી માટે કંપની કે તેના ડિરેક્ટરોનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે કહ્યું કે EDના અધિકારીઓ નોઈડા, દિલ્હી અને ગોવામાં કેટલાક પરિસરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દરોડા પાડી રહ્યા છે, જેમાં ગ્રેટર નોઈડામાં 'ગ્રાન્ડ વેનિસ મોલ'નો પણ સમાવેશ થાય છે.
ED ની આ તપાસ કંપની અને તેના પ્રમોટરો સામે ઘર ખરીદનારાઓ દ્વારા દાખલ કરાયેલી લગભગ 40 FIR સાથે સંબંધિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રોકાણકારો સાથે લગભગ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.