વડોદરાની એમએસ યુનિનો પદવીદાન 29મી ડિસેમ્બરે યોજાશે
- પદવીદાનમાં 325 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે
- પદવીદાનમાં 13500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે
- ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પત્ની સાથે ઉપસ્થિતિ રહેશે
વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13500 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના હસ્તે 325 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે.
એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંમતિ દર્શાવતા હવે પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ સામારોહમાં ખાસ મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિની સાથે તેઓના પત્ની પણ ઉપસ્થિત રહેશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રવિવારની રજા હોવા છતા બેઠક બોલાવીને સમારોહના આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. દરમિયાન પત્રકાર પરીષદમાં રજીસ્ટ્રાર કે એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મ.સ.યુનિવર્સિટીનો અગામી 73મો વાર્ષિક પદવીદાન સમારંભ 29 ડિસેમ્બર રવિવારના રોજ યુનિવર્સીટીના કમલા રમણ વાટિકા ખાતે યોજાશે. ડીગ્રી તેમજ ગોલ્ડ મેડલ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ તેમના સ્કાર્ફ જે તે ફેકલ્ટીમાંથી 29 ડિસેમ્બર પહેલા મેળવી લેવાના રહેશે.
આ 73માં પદવીદાન સમારોહમાં 13500 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાંથી 9 હજાર વિદ્યાર્થીઓએ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે નોંધણી કરાવી દીધી છે. એટલે પદવીદાન સમારોહમાં અંદાજીત 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજરી આપશે. જેમાંથી 325 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 195 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ સમારોહમાં હાજર નહીં રહી શકે તેમને પોતાના જે તે સચોટ સરનામાની નોંધણી કરી મોકલી આપશે તો ડીગ્રી તેઓ સુધી પહોંચાડવામાં આવશે.
એમએસ યુનિના રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ પદવીદાન સમારોહમાં ભાગ લેવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા એન. સી. સી. ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. વિધાર્થીઓએ યુનિવર્સીટીમાં કમલા રમણ વાટિકા ખાતે રજિસ્ટ્રેશન કરાવી સૂચિત બેઠક વ્યવસ્થા પ્રમાણે પોતાની જગ્યા મેળવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોલ્ડ મેડલ મેળવનારા વિધાર્થીઓને પ્રમાણપત્ર કમલા રમણ વાટિકા ખાતે અપાશે વિદ્યાર્થીઓને ઈ-મેઇલ દ્વારા જરૂરી સૂચના અપાશે.