ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સરકારની પ્રાથમિકતાઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગથી 71 હજારથી વધુ નવનિયુક્ત નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા નવનિયુક્ત યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, “આજે દેશના હજારો યુવાનો માટે જીવનની નવી શરૂઆત થઈ રહી છે. તમારું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે, વર્ષોની મહેનત સફળ થઈ છે.
પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું, હું હમણાં જ કુવૈતથી મોડી રાત્રે પાછો આવ્યો છું, ત્યાં મેં ભારતના યુવાનો અને વ્યાવસાયિકો સાથે લાંબી મુલાકાત કરી અને ઘણી વાતો કરી. હવે અહીં આવ્યા બાદ મારો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે, આ એક સુખદ સંયોગ છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે દેશના હજારો યુવાનો માટે જીવનની નવી શરૂઆત થઈ રહી છે. તમારું વર્ષો જૂનું સપનું પૂરું થયું, વર્ષોની મહેનત સફળ થઈ.
2024નું આ પસાર થઈ રહેલું વર્ષ તમને અને તમારા પરિવારને નવી ખુશીઓ આપી રહ્યું છે. હું તમને બધા યુવાનો અને તમારા પરિવારને અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું કે, ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ એ અમારી સરકારની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે, અમે રોજગાર મેળાઓ દ્વારા આ દિશામાં સતત કામ કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષથી સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. આજે પણ 71 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં અમારી સરકારે લગભગ 10 લાખ યુવાનોને કાયમી સરકારી નોકરીઓ આપી છે.
પીએમએ કહ્યું, આજે ભારતના યુવાનો નવા આત્મવિશ્વાસથી ભરેલા છે. તે દરેક ક્ષેત્રમાં પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જે શિક્ષણ પ્રણાલી પહેલા પ્રતિબંધોને કારણે વિદ્યાર્થીઓ પર બોજ બનતી હતી, તે હવે તેમને નવા વિકલ્પો આપી રહી છે. અટલ ટિંકરિંગ લેબ્સ અને આધુનિક પીએમ શ્રી શાળાઓ દ્વારા નાનપણથી જ નવીન માનસિકતાને આકાર આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું, આજે હજારો દીકરીઓને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. તમારી સફળતા અન્ય મહિલાઓને પ્રેરણા આપશે. અમારો પ્રયાસ છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બને.
નોંધનીય છે કે રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટેની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડે છે. દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોજગાર મેળાની શરૂઆત ઓક્ટોબર 2022 માં કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 50 શહેરોમાં રાષ્ટ્રીય સ્તરે આવા 13 મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, જે વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની દિશામાં એક પગલું છે. આ ભરતીમાં ગૃહ મંત્રાલય, પોસ્ટ્સ, ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને નાણાકીય સેવાઓ જેવા મંત્રાલયો અને વિભાગોને આવરી લેવામાં આવશે. રોજગાર મેળો એ યુવાનોમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.