કાનૂન વ્યવસ્થા બગાડનારાઓને સરકાર છોડશે નહીં : સીએમ યોગીની ચેતવણી
લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા બગાડવાની કોઈ પણ કોશિશને સરકાર સખત પગલાં લઈને નિષ્ફળ બનાવી દેશે તેવી કડક ચેતવણી આપી છે. તહેવારોના સમયમાં અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સીએમ યોગીએ જણાવ્યું કે, “દશેરો એ બુરાઈ અને આતંકના દહનનો પર્વ છે. ઉપદ્રવીઓ પર એવી કાર્યવાહી થશે કે તેઓ ફરીથી આવી હરકત કરવાનો વિચાર પણ નહીં કરી શકે.”
સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, સીએમ યોગીએ અધિકારીઓને ઉપદ્રવીઓ સામે તરત જ એફઆઈઆર નોંધવા અને હિંસાના માસ્ટરમાઇન્ડની ઓળખ કરી તેમની મિલકતની તપાસ કરવા કહ્યું છે. સીએમએ ઉચ્ચ અધિકારીઓ સાથે કાનૂન-વ્યવસ્થાની સમીક્ષા બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે ગુનેગારો સામે ‘જીરો ટોલરન્સ’ની નીતિ પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ ઉપરાંત સીએમ યોગીએ રાજ્યના 57 હજાર ગ્રામ પ્રધાન અને સભ્યો સાથે વર્ચુઅલ સંવાદ કર્યો હતો. ‘વિકસિત યુપી @2047’ વિઝન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, “તમે જોયું હશે કે 13 અને 14 ઑગસ્ટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સતત 26થી 28 કલાક સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાનો વિષય હતો ‘વિકસિત ભારત, વિકસિત ઉત્તર પ્રદેશ’. પરંતુ મારું માનવું છે કે રાજ્ય ત્યારે જ વિકસિત થશે જ્યારે ગ્રામ પંચાયત અને ક્ષેત્ર પંચાયત વિકસિત થશે.”