સરકાર સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે : અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ ની મુલાકાત દરમિયાન સરહદ સુરક્ષા દળ-BSFના જવાનોને સંબોધતા, શાહે BSFના યોગદાનની પ્રશંસા કરી અને પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજો બજાવવા બદલ સૈનિકોની પ્રશંસા કરી.
જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચતા એરપોર્ટ ઉપર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે સાંજે રાજભવન ખાતે બેઠકો યોજી હતી અને લોકો તથા પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી હતી.
અહેવાલ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે ઘણી મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરી હતી. તેમણે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં ‘વિનય’ સરહદ ચોકીની પણ મુલાકાત લીધી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો હતો.