સરકાર આરોગ્ય વિભાગમાં કાયમી અને આઉટસોર્સથી ખાલી જગ્યાઓ ભરે છે
- રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ
- CHC કેન્દ્રોમાં વર્ગ-2ની 96 ટકા અને PHC કેન્દ્રમાં 76.75 ટકા ભરાયેલી છે
- 25 ખાનગી એજન્સીઓ મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે
ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના P.H.C. અને C.H.C.માં આઉટસોર્સીંગ સેવાઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઉત્તમ, શ્રેષ્ઠ અને સઘન સારવાર મળી રહે તે માટે ખાલી જગ્યાઓએ આઉટસોર્સીંગ દ્વારા પણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા નિયમિત ઘોરણે વર્ગ-1 થી વર્ગ-3 સુધીના વિવિધ સંવર્ગની ભરતી કરવામાં આવે છે. કેટલાક કિસ્સોમાં ખાલી જગ્યાઓની સામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આઉટસોર્સીંગ દ્વારા પણ મેનપાવર ઉપલબ્ધ કરવામાં આવે છે.
રાજ્યના 355 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 ના મંજૂર કુલ મહેકમ – 1456ની સામે 1236 એટલે કે 84.96 ટકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 (M.O.) ના મંજુર મહેકમ 2099ની સામે 1611 એટલે કે 76.75 ટકા ભરાયેલી છે.
C.H.C.માં પેરા મેડિકલ, વહીવટી વર્ગ – 3 અને ડ્રાઇવર તેમજ વર્ગ – 4 ના કુલ મંજુર મહેકમ 8698ની સામે કુલ – 6439 હાલ એટલે કે 74.03 ટકા કાયમી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલ છે.
P.H.C.માં પેરા મેડિક, વહીવટી વર્ગ – 3 અને ડ્રાઇવર તેમજ વર્ગ – 4 ના કુલ મંજુર મહેકમ 11.678ની સામે કુલ – 7773 હાલ એટલે કે 66.56 ટકા કાયમી ભરતી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલી છે.
વધુમાં તેમણે કહ્યું કે, પેરામેડીકલ (લેબ.ટેક, ફાર્માસિસ્ટ, એક્ષ-રે ટેક્નિશિયન, ફીજીયોથેરાપિસ્ટ, સ્ટાફનર્સ વિગેરે) તથા વહીવટી સ્ટાફ (ડ્રાઇવર, ક્લાર્ક) વર્ગ-3ના કર્મચારીઓની જરૂર જણાયે આઉટસોર્સિંગ સેવાઓ લેવામાં આવે છે. તેમજ વર્ગ-4 (સ્વીપર, વોર્ડબોય, આયા, પટાવાળા, વોચમેન, સિક્યુરીટી, ડ્રેસર વિગેરે) મેનપાવર આઉટસોર્સીગ સેવાઓ દ્વારા લેવામાં આવે છે. જેના માટે વર્ષ 2014-15માં જે ટેન્ડર પ્રક્રીયા કરી હતી તેને તા. 31-10-2023 સુધી મુદત વધારો કરાયો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં કુલ –5 એજન્સી હતી. દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનાવેલ કમીટી દ્વારા મેડીકલ કોલેજ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જીએમઇઆરએસ હોસ્પિટલ અને જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાનની કમીટી દ્વારા પેટાકેન્દ્ર, પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રો સહિત શહેરી આરોગ્ય કેન્દ્રો (નગરપાલિકા) માટે આઉટસોર્સીંગ દ્વારા માનવબળ પુરૂ પાડવામાં આવે છે.
વર્ષ-2023માં જીલ્લા દિઠ કુલ-2 પ્રમાણે કુલ-66 નવા ટેન્ડર GEM મારફત મંગાવવામાં આવ્યા. મંજુર મહેકમની 105 કેડર વાઇસ ભાવો નક્કી કરી ફક્ત સર્વિસ ચાર્જ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. GEM દ્વારા સીસ્ટમ સિલેક્ટેડ થયેલ L-1ને તા 01-11-2023થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. જેની મુદ્દત તા.31-10-2025 સુધી મુદત વધારી છે. નવા ટેન્ડર મુજબ રાજ્યમાં કુલ-25 એજન્સીઓ આરોગ્ય સંસ્થાઓમાં મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે.