સરકાર જમ્મુ -કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે શ્રીનગરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ-સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, નિદેશક (આઇબી), સેનાનાં પ્રમુખ, જીઓસી-ઇન-સી (નોર્ધન કમાન્ડ), જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)નાં વડાઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદી સંગઠનોમાં આતંક સાથે સંબંધિત ઘટનાઓ, ઘૂસણખોરી અને યુવાનોની ભરતીમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારનાં સ્થાયી અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આપણાં દેશમાં પ્રતિકૂળ તત્ત્વો દ્વારા પોષવામાં આવેલી સંપૂર્ણ આતંકવાદી ઇકો-સિસ્ટમ પાંગળી બની ગઈ છે.
અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સંકલિત અભિગમ સાથેનાં પ્રયાસો ચાલુ રાખવાની સૂચના આપી હતી. તેમણે એમ પણ નિર્દેશ આપ્યો કે એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનનો અમલ મિશન મોડમાં સુનિશ્ચિત થવો જ જોઇએ. ગૃહમંત્રીએ કહ્યું કે તમામ એજન્સીઓએ સંકલિત રીતે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ જેથી કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ 370 નાબૂદ થયા પછી થયેલા લાભને ટકાવી શકાય અને 'આતંક મુક્ત જમ્મુ-કાશ્મીર'નું લક્ષ્ય વહેલી તકે પ્રાપ્ત કરી શકાય. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકાર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂરી તમામ સંસાધનો પ્રદાન કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ શ્રી અમરનાથજી યાત્રાની તૈયારીની પણ સમીક્ષા કરી હતી, જે ચાલુ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે અને સંબંધિત એજન્સીઓને પવિત્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.