સરકારી બેન્કોમાં તા. 24મી અને 25મી માર્ચે હડતાળ, 4 દિવસ કામકાજ ખોરવાશે
- 5 દિવસના સપ્તાહનો અમલ સહિતના મુદ્દે ફરી લડત
- ગ્રેચ્યુઇટીની લિમિટ 25 લાખ કરવા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા માગ
- ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવા માગ
અમદાવાદઃ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આગામી 24 અને 25મી માર્ચના રોજ હડતાળનું એલાન આપ્યુ છે. તા.22મી અને 23મી માર્ચ શનિ-રવિ છે, અને 24મીને સોમવાર અને 25મીને મંગળવારે હડતાળ પાડવામાં આવશે તેથી ચાર દિવસ બેન્કોનું કામકાજ ખોરવાઈ જશે. બેન્ક વર્કસ યુનિયનની માગણી છે કે, બેન્ક ઉદ્યોગમાં પાંચ દિવસના સપ્તાહનું અમલીકરણ, ગ્રેચ્યુઇટીની લિમિટ 25 લાખ કરવી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી બંધ કરવી, બેન્કોમાં તત્કાલ ખાલી પડેલી જગ્યાઓ ભરવી અને સરકારી બેન્કોમાં વર્કમેન ડાયરેક્ટરોની નિમણૂક કરવી સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે બે દિવસીય હડતાળ પાડવામાં આવશે.
ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના સૂત્રોએ જણાવ્યુ તું કે, આગામી તા.22 અને 23 શનિ-રવિવારની રજા છે અને તા.24 તથા 25મીએ હડતાલ છે. જેના કારણે ચાર દિવસ કામકાજ ખોરવાઇ જવાની શક્યતા છે. જેના કારણે લોકો અને વેપાર-ઉદ્યોગજગતને તકલીફ પડશે. બેન્ક કર્મચારીઓના પેન્ડિંગ પ્રશ્નો લાંબા સમયથી ચાલ્યા આવે છે. સરકાર એ ઉકેલવા આંખ આડા કાન કરે છે. જેના કારણે આ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે. વિવિધ માગણીઓ અને મુદ્દાઓના યોગ્ય નિકાલ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા 23મી માર્ચના મધરાતથી 25મી માર્ચની મધરાત સુધી બે દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. ( File photo)