ગોંડલ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું, યાર્ડ બહાર વાહનોની લાગી લાંબી લાઈનો
• યાર્ડમાં બે લાખ લાલ ડુંગળીના કટ્ટાની આવક
• હરાજીમાં પ્રતિ 20 કિલોના ડુંગળીના ભાવ 200થી 850 ઉપજ્યા
• વિદેશના નિકાસકારો ડૂંગળીની ખરીદી માટે યાર્ડની મુલાકાતે આવ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. મંગળવારે તો યાર્ડ બહાર ડુંગળી ભરીને આવેલા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ખેડુતો સમીસાંજના આવીને યાર્ડ બહાર લાઈનો લગાવી દેતા હોય છે. લાલ ડુંગળીની બમ્પર આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું. દરમિયાન પરપ્રાંતના વેપારીઓ તેમજ નિકાસકારો પણ યાર્ડની મુલાકાતે આવીને ડુંગળીની ખરીદી કરી રહ્યા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્જમાં અંદાજે લાલ ડુંગળીના બે લાખ કટ્ટાની આવક થઈ છે. આ વખતે ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગેલી જોવી મળી હતી. યાર્ડ દ્વારા વહેલી તકે વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 850 સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકમાં મોખરે સ્થાન ધરાવે છે.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં ડુંગળી સહિત વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થતી હોય છે. યાર્ડમાં બહારના રાજ્યોમાંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. ત્યારે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી મોટી મોટી કંપનીઓના એક્સપર્ટરો ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. મંગળવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક થઈ હતી. જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.