દિલ્હી એરપોર્ટ ઉપર ઈટલીથી આવતા બે પ્રવાસીઓ પાસેથી ઝડપાયું 8 કરોડનું સોનુ
નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. બે મુસાફરો પાસેથી 7.8 કરોડ રૂપિયાના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. જેનું વજન 10 કિલોથી વધુ હોવાનું કહેવાય છે. આરોપીઓ કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળે છે.
કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મિલાનથી ફ્લાઇટ AI-138 દ્વારા આવી રહેલા કાશ્મીરના બે પુરુષ મુસાફરો (45 અને 43 વર્ષના) ને અટકાવ્યા હતા. મુસાફરોની વ્યક્તિગત તપાસ દરમિયાન, 10.092 કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત લગભગ 7.8 કરોડ રૂપિયા હતી. કસ્ટમ્સ એક્ટ, હેઠળ વધુ તપાસ માટે મુસાફરોની અટકાયત કરવામાં આવી છે.
કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે આરોપીઓ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઇટાલીના મિલાનથી દિલ્હી પરત ફરતી વખતે તેમને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે આરોપીઓના સામાનની તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ વ્યક્તિગત તપાસમાં, ખાસ ડિઝાઇન કરેલા બે કમરના પટ્ટામાં છુપાયેલા સોનાના સિક્કા મળી આવ્યા હતા.
કસ્ટમ્સ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ 10.092 કિલો સોનાના સિક્કા જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત આશરે 7.8 કરોડ રૂપિયા છે.