અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 34.73 લાખનું સોનુ પકડાયુ
- દૂબઈની ફ્લાઈટમાં આવેલી રાજકોટની મહિલાએ લેગિંગ્સમાં સોનુ છુપાવ્યુ હતુ
- પ્રવાસી મહિલા પાસેથી 24 કેરેટના 170 ગ્રામ સોનું મળી આવ્યું હતું
- બે દિવસ પહેલા અબુધાબીથી આવેલા બે પ્રવાસી પાસેથી 3 કિલો સોનું પકડાયું હતું
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે, સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં દાણચોરી પણ વધી રહી છે. ખાસ કરીને દૂબઈ, અબુધાબીથી આવતા કેટલાક પ્રવાસીઓ સોનુ સંતાડીને લાવતા હોય છે. ગયા સોમવારે અબુધાબીથી જીન્સમાં છૂપાવીને લવાયેલું 2.76 કરોડનું સોનું એરપોર્ટ પરથી ઝડપાયું હતું. ત્યાં વળી ગઈકાલે તા. 25 માર્ચના રોજ એક મહિલાના લેગિંગ્સમાં છૂપાવીને લાવવામાં આવેલું 34.73 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર દૂબઈથી આવેલી ફ્લાઈટના પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક મહિલાની હીલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ મહિલાની તલાશી લેતા મહિલાએ તેના લેગિંગ્સમાં છૂપાવેલું 382.170 ગ્રામ સોનું મળી આવ્યુ હતુ. રાજકોટની મહિલા દુબઇથી 34.73 લાખનું સોનું લેગિંગ્સના બે પડ વચ્ચે સંતાડીને દાણચોરી કરતા ઝડપાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી માહિતીના આધારે આ મહિલાને ઝડપીને તેની લેગિંગ્સમાંથી ગોલ્ડ સ્પ્રે 382.170 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું.
કસ્ટમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કસ્ટમ્સની AIU ટીમને મળેલી માહિતીના આધારે 25 માર્ચ 2025ના રોજ દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નં. 6E-1478 માંથી એક મહિલા પ્રવાસીને અટકાવી હતી. તપાસ દરમિયાન તે પ્રવાસી પાસે 24 કેરેટના 382.170 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યું હતું. આ સોનાને મહિલા પ્રવાસીએ પહેરેલી લેગિંગ્સના બે સ્તર (પડ) વચ્ચે સંતાડ્યું હતું. આ જપ્ત થયેલા સોનાની બજાર કિંમત રૂ. 34,73,925 છે. કસ્ટમની તપાસમાં આ મહિલા પ્રવાસી રાજકોટની રહેવાસી છે. આ સોનું કોના માટે લાવ્યા હતા વગેરે બાબતે ઝીણવટીભરી પૂછતાછ કરીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસ વધી રહ્યા છે, તાજેતરમાં અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણાત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ ગોલ્ડ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું.