સોનાના ભાવ ફરીવાર ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂપિયા 93000થી વધુ
- અમેરિકાએ ઈરાન સામે મોરચો માંડતા સોનાના ભાવમાં આવ્યો ઉછાળો
- આંતરરાષ્ટ્રીય ભાવ પ્રથમવાર 3100 ડોલરને વટાવી ગયો
- ત્રણ મહિનામાં 18 ટકા તથા એક વર્ષમાં 38 ટકાનો ઉછાળો
અમદાવાદઃ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સોનું ખરીદી ન શકે દહાડા આવ્યા છે. સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પનો ટેરિફ લાદવાનો નિર્ણય તેમજ અમેરિકાએ ઈરાન સામે મોરચો માંડતા સોનાના ભાવમાં અસામાન્ય તેજી જોવા મળા રહી છે. સોનાનો ભાવ વિશ્વ બજારમાં આજે પ્રથમવાર 3100 ડોલરને વટાવી ગયો હતો. તેથી અમદાવાદ સહિત શહેરોમાં હાજર સોનું 93000 ને પાર થયુ હતું. પ્રતિ 10 ગ્રામ રૂા.600 ના ઉછાળાથી 93100 થયુ હતું.
દેશમાં મહિલાઓમાં સોનાના આભૂષણો પહેરવાનું મહાત્મ્ય સૌથી વધુ જોવા મળે છે. લગ્ન પ્રસંગોએ દીકરીને કરિયાવરમાં સોનાના દાગીની અપાતા હોય છે. ત્યારે સોનાના ભાવમાં અસામાન્ય વધારાની અસર જ્વેલર્સના શો રૂમમાં જોવા મળી રહી છે. જ્વેલર્સના કહેવા મુજબ .વિશ્વ સ્તરે ટ્રેડવોરથી માંડીને યુદ્ધ સહિતનાં ભૌગોલીક ટેન્શનની સ્થિતિ દુર ન થાય ત્યાં સુધી સોનામાં તેજી જ બની રહેવાની શક્યતા છે.
સોનાનો આંતર રાષ્ટ્રીય ભાવ આજે 3107 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. પ્રથમ વખત 3100 ડોલરને પાર થયો હતો.બીજી એપ્રિલથી શરૂ થનાર ટેરીફ વોરને કારણે દુનિયાભરનાં વ્યાપાર ક્ષેત્રમાં તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યકત થતી હતી.આ સિવાય રશીયા-યુક્રેન યુદ્ધનો અંત આવતો નથી ત્યારે અમેરિકાએ ઈરાન સામે મોરચો ખોલતા બન્ને દેશો વચ્ચે હાકલા પડકારા શરૂ થયા છે. તેની પણ અસર હતી. કોમોડીટી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સોનાના ભાવમાં ચાલુ કેલેન્ડર વર્ષનાં પ્રથમ ત્રણ મહિનામાં 18 ટકાનો ભાવ વધારો થઈ ગયો છે. વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે ઈન્વેસ્ટરો સોનાનો હેજ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.આ પુર્વે ચાલુ માસના પ્રારંભે જ સોનાના ભાવોએ 3000 ડોલરની સપાટી વટાવી હતી.
સોનામાં એકધારી તેજીને પગલે બેંકો તથા એજન્સીઓ સોનાનાં ભાવનો ટારગેટ વધારવા લાગી છે. ચાલુ માટે અગાઉ 3100 ડોલરનો ટારગેટ મુકાયો હતો. તે હવે 3320 ડોલરનો કરી દેવાયો છે. વૈશ્વિક કટોકટી થાય તે સોનાને સેફ હેવન જ ગણવામાં આવે છે. અને હેજ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બેંક ઓફ અમેરિકા, યુબીએસ, તથા ગોલ્ડમેન સારશ દ્વારા ભાવનો ટારગેટ વધારી દેવાયો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 2023 ના અંતથી સોનાના ભાવમાં તેજીનો દોર થયો છે અને હજુ તે ચાલુ છે. રોકાણકારોને એક વર્ષમાં સોનામાં 38 ટકાનું વળતર મળ્યુ છે. દર ત્રીજા દિવસે ભાવ નવી ઉંચાઈએ પહોંચે તેવુ ભાગ્યે જ બનતુ હોય છે. દુનિયાભરમાં સર્જાયેલા અનિશ્ચિત માહોલ તથા ઉચાટનું ચિત્ર સ્પષ્ટ નહિં થાય ત્યાં સુધી સોનામાં તેજીનો માહોલ યથાવત જ રહી શકે તેમ છે.
સોનાનો આંતર રાષ્ટ્રીય ભાવ 3100 ડોલરને વટાવી ગયો હતો.ઘર આંગણે પણ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. અમદાવાદમાં હાજર સોનું 93000 ને પાર થયુ હતું. પ્રતિ 10 ગ્રામ રૂા.600 ના ઉછાળાથી 93100 થયુ હતું.