'મંદિરમાં જઈને માફી માંગો અથવા પાંચ કરોડ આપો', લોરેન્સ ગેંગની સલમાન ખાનને ધમકી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાનને મંદિરમાં જઈને માફી માંગવા અને 5 કરોડ રૂપિયા આપવાની માંગ કરવામાં આવી છે.
ધમકીમાં અભિનેતાને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસને કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન વિરુદ્ધ ધમકીનો સંદેશ મળ્યો હતો. ધમકીમાં અભિનેતાને બે વિકલ્પ આપવામાં આવ્યા છે - જીવિત રહેવા માટે માફી માગો અથવા 5 કરોડ રૂપિયા આપો. એક અઠવાડિયામાં સલમાનને મળેલી આ બીજી ધમકી છે.
વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને ગઈકાલે રાત્રે વોટ્સએપ પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે આપણા મંદિરમાં જઈને માફી માંગવી પડશે અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તેઓ આવું નહીં કરે તો અમે તેમને મારી નાખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.
30 ઓક્ટોબરે પણ આવી જ ધમકી મળી હતી
પોલીસે મેસેજની તપાસ હાથ ધરી છે. અગાઉ ગયા અઠવાડિયે 30 ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક કંટ્રોલને સલમાન ખાન સામે આવી જ ધમકી મળી હતી. ત્યારબાદ બોલિવૂડ અભિનેતા પાસેથી કથિત રીતે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો તે પૈસા ન આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી હતી. આ પછી મુંબઈ પોલીસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.