ગાંધીનગરના કોબા સર્કલ કમલમ્ પાસે હીટ એન્ડ રન, ઈજાગ્રસ્ત યુવતીનું મોત
- એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ,
- રોડ પર પટકાયેલી યુવતીને પાછળ આવી રહેલા વાહને અડફેટે લીધી,
- અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે જ નાસી ગયો
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ કમલમ્ નજીક એક અકસ્માત સર્જાયો હતો, એક યુવતી એક્ટિવા લઈને આવી રહી હતી. ત્યારે કોઈ કારણોસર એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ હતી. તે દરમિયાન પાછળ આવી રહેલા વાહને યુવતીને અડફેટે લીધી હતી. અને વાહનચાલક વાહન લઈને નાસી ગયો હતો. દરમિયાન આ અકસ્માતને લીધે આજુબાજુના લાકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધીને આજાણ્યા વાહનચાલકની શાધખોળ આદરી છે.
ગાંધીનગર-અમદાવાદ રોડ પર કોબા સર્કલ નજીક એક અકસ્માતમાં 21 વર્ષીય CA વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. કમલમથી કોબા સર્કલ વચ્ચે મેશ્વા પટેલ નામની વિદ્યાર્થિની એક્ટિવા પરથી પડી ગઈ હતી. ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહને તેને કચડી નાખી હતી. અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં રહેતી મેશ્વા CA ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે ગુજરાત રેરા ઉદ્યોગ ભવન ખાતે ઇન્ટર્નશિપ માટે દર મહિને એકવાર ગાંધીનગર જતી હતી. અકસ્માત 1 જુલાઈ 2025ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે સર્જાયો હતો. ગંભીર ઈજાઓને કારણે મેશ્વાને પ્રથમ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેને માથાના અંદરના ભાગે ઈજા થઈ હતી. કમર, ડાબા પગના ઘૂંટણથી નીચેના ભાગે અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન રાત્રે 9:45 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. મેશ્વા પોતાના માતા-પિતાની મોટી પુત્રી હતી. તેને 11 વર્ષનો એક નાનો ભાઈ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.