ગીર સોમનાથની શિંગવડા નદી ભર ઉનાળે બે કાંઠા બની, ખેડુતોના રાહત
- શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા નદી બેકાંઠા બની
- શિંગવડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યો છે
- શિંગોડા ડેમના દરવાજા 42 વર્ષ જૂના છે, રેડિયલ ગેટ બદલવાના હોવાથી પાણી છોડાયું
કોડીનારઃ સૌરાષ્ટ્રમાં મોટાભાગની નદીઓ સુકીભઠ્ઠ જોવા મળી રહી છે. ત્યારે ભર ઉનાળે ગીર સોમનાથની શિંગવડા નદી બેકાંઠા જોવા મળી રહી છે. શિંગવડા ડેમમાંથી પાણી છોડાતા નદી બેકાંઠે વહી રહી છે. નદી બેકાંઠા બનતા બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે. અને ખેડુતોને રાહત થઈ છે.
સૌરાષ્ટ્રમાં હાલ કાળઝાળ ગરમી બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનામાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ગીર સોમનાથની શિંગવડા નદી ભર ઉનાળામાં બે કાંઠે વહી રહી છે. ગીરના સૌથી મોટા ગણાતા શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે આસપાસના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. શિંગોડા ડેમના છ દરવાજા 42 વર્ષ જૂના હોવાથી આ રેડિયલ ગેટ બદલવાના છે. જેના કારણે શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શિંગવડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યો છે. છોડવામાં આવેલા આ પાણીને કારણે ગીર જંગલમાંથી ગીર જામવાળા થઈ અને દરિયા કિનારા મૂળ દ્વારકા સુધીના તમામ કૂવાઓ રિચાર્જ થશે. ખેડૂતોને ઉનાળુ પાકને પિયત માટેનું પાણી નિઃશુલ્ક મળશે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગવડા નદીનો નજારો ભર ઉનાળામાં ચોમાસા જેવો દેખાઈ રહ્યો છે. જેના કારણે આસપાસના સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.