આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડપથી વિકાસ કરતાં રાજ્યોમાંનું એક બની ગયું છે. મોદીએ કહ્યું કે, દેશ વિકસિત ભારત બનાવવા માટે એક થઈને આગળ વધી રહ્યો છે અને આ સંકલ્પને પ્રાપ્ત કરવામાં ઉત્તર પૂર્વની ખૂબ મોટી ભૂમિકા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે કોઈપણ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઝડપી કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદીએ લોકોને વોકલ ફોર લોકલના બ્રાન્ડ એમ્બેસેડર બનવા અને સ્વદેશી ઉત્પાદનો પર ગર્વ લેવા પણ વિનંતી કરી.
આ પ્રસંગે શહેરી ગતિશીલતા વધારવા, ટ્રાફિક ઘટાડવા અને રાજધાની શહેરમાં અને તેની આસપાસ કનેક્ટિવિટી સુધારવા માટે ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. આ ઉપરાંત, બ્રહ્મપુત્ર નદી પર કુરુવા-નારંગી પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો જે કનેક્ટિવિટી સુધારશે અને પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
બાદમાં પ્રધાનમંત્રી આસામમાં 9 હજાર 230 કરોડ રૂપિયાથી વધુના માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.