નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen Z નું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એકનાં મોત
નવી દિલ્હીઃ નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ લોકોના આક્રોશે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z) યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યા છે. કાઠમંડુમાં અનેક પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતા. સુરક્ષા દળોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. પ્રદર્શનકારીઓ બેરિકેડ કૂદીને દોડ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ, આંસુ ગેસના શેલ, પાણીનો મારો અને કેટલીક જગ્યાએ ફાયરિંગ પણ કર્યું છે. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે 42 લોકો ઘાયલ થયા છે. સૌથી વધારે તંગ પરિસ્થિતિ કાઠમંડુના ન્યૂ બાનેશ્વર અને ઝાપા જિલ્લાના દમકમાં જોવા મળી છે. મીજિયા રિપોર્ટ મુજબ, ન્યૂ બાનેશ્વરમાં હિંસક અથડામણ દરમિયાન ગોળી વાગતા ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘણી ઘાયલ વ્યક્તિઓની ઓળખ હજુ સુધી જાણી શકાયેલી નથી.
દમકમાં પ્રદર્શનકારીઓએ દમક ચોકથી નગરપાલિકા કાર્યાલય સુધી રેલી કાઢી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલિના પુતળો સળગાવ્યા હતા અને કાર્યાલયના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. ન્યૂ બાનેશ્વરમાં પોલીસની ગોળીબારીમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા, જેઓને એવરેસ્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા આસપાસના અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. ‘હામી નેપાળ’ સંસ્થાએ માઇતીઘરમાં પ્રદર્શનકારીઓને પ્રાથમિક સારવાર આપવા માટે કેમ્પ સ્થાપ્યો છે. કાર્યકર રોનેશ પ્રધાને જણાવ્યું કે હાલ 6–7 લોકોને માઇતીઘરમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે મોટાભાગના ઘાયલો એવરેસ્ટ હોસ્પિટલમાં છે. જોકે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ સુધી બહાર આવી નથી.
સોમવાર સવારે કાઠમંડુના માઇતીઘરમાં પ્રદર્શનકારીઓ ભેગા થવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ‘નેપો કિડ’ અને ‘નેપો બેબીઝ’ જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા હતા. સરકારે અનોંધાયેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બ્લોક કરવાનો નિર્ણય કર્યા બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યું હતું. કાઠમંડુ જિલ્લા પ્રશાસન કાર્યાલય મુજબ, આ રેલી ‘હામી નેપાળ’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને તેની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી હતી. સંસ્થાના અધ્યક્ષ સુધન ગુરુંગે જણાવ્યું કે આ વિરોધ સરકારની ભ્રષ્ટાચારી નીતિઓ અને તાનાશાહી પ્રવૃત્તિઓ સામે છે. દેશભરમાં આવા જ પ્રદર્શન થઈ રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને પણ યુનિફોર્મ અને પુસ્તકો સાથે પ્રદર્શનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું.
સરકાર મુજબ, 28 ઓગસ્ટથી સોશિયલ મીડિયા કંપનીઓને દેશમાં રજીસ્ટ્રેશન કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ ગત બુધવાર સુધી કોઈપણ મોટી કંપની – જેમાં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), અલ્ફાબેટ (યૂટ્યુબ), એક્સ (પૂર્વે ટ્વિટર), રેડિટ અને લિન્કડઇનનો સમાવેશ થાય છે – એ રજીસ્ટ્રેશન કર્યું ન હતું. ત્યારબાદ ગુરુવારથી સરકારે આ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારનું કહેવું છે કે ફેક આઈડી ધરાવતા યૂઝર્સ આ માધ્યમો દ્વારા અફવાઓ, ઘૃણા અને સાયબર ક્રાઈમ વધારી રહ્યા હતા, જેના કારણે સમાજમાં અશાંતિ અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી હતી.