SGVP ટ્રોફી (U-15)ની સેમિફાઈનલમાં જીસીઆઈની ટીમનો 9 વિકેટે વિજય
અમદાવાદઃ SGVP ટ્રોફી-14(અંડર-15)ની સેમીફાઈનલ અમદાવાદના એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેન્ટ ઝેવિયર્સ ક્રિકેટ એકેડમી અને ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ વચ્ચે રમાઈ હતી. 50-50 ઓવરની આ ક્રિકેટ મેચમાં જીસીઆઈનો 9 વિકેટથી વિજય થયો હતો.
પ્રથમ બેટીંગમાં સેન્ટ ઝેવિયર્સની ટીમ 35 ઓવર જ ઓલઆઉટ થઈને પરત પેવેલિયન ફરી હતી. ઝેવિયર્સ તરફથી સૌથી વધારે રન ઓપનર અક્ષરાજસિંહે કર્યાં હતા. અક્ષરાજસિંહના 20, કૃષ્ણા અંઘાનના 16 અને ધનરાજસિંહ ગોહિલના 12 રનની મદદથી સમગ્ર ટીમ 35 ઓવરમાં 82 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જીસીઆઈ તરફથી માહિન શુકલાએ સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અરનવ દેસાઈએ 2, વ્યોમ પટેલે એક, આદિત્ય પુરસ્વાનીએ એક તથા હેત પટેલે બે વિકેટ મેળવી હતી.
83 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી જીસીઆઈની શરૂઆત પણ સારી રહી ન હતી અને માત્ર નવ રનના સ્કોર ઉપર શ્વોક પટેલના રૂપે પ્રથમ વિકેટ ગુમાવી હતી. જો કે, ધ્વૈત શાહ તથા કહાન ભાવસારે સમજદારી પૂર્વક બેટીંગ કરીને 25 ઓવરમાં જ 83 રન ફટકારીને જીત હાંસલ કરી હતી. ઝેવિયર્સના એક માત્ર બોલર કુશાલ જાનીએ એક વિકેટ મેળવી હતી.