GCERT દ્વારા રાજ્યના ધોરણ 3થી 8ના તમામ શિક્ષકોને 29 સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ
- શિક્ષકોનેતાલીમ થકી NEP-2020 અને NCF-2023નું વર્ગખંડમાં થશે અમલીકરણ,
- બાળકોમાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે વિષયવાર આવૃત્તિઓ તૈયાર,
- તાલીમમાં ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ, પ્રાયોગિક અભિગમ અને ડિજિટલ સાક્ષરતા પર વિશેષ ભાર
ગાંધીનગરઃ નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક 2023ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ 3 થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું તા. 18 ઓગષ્ટથી 29 સપ્ટેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર તથા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલીમના માર્ગદર્શન સેશનમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વીડીયો સંદેશ મારફતે સૌ શિક્ષકોને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે બાળકોને તૈયાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત મંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુણવત્તા અભિયાનમાં જોડાઈ તેનો વર્ગખંડમાં યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
પ્રવર્તમાન પાઠ્યપુસ્તકોના શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓમાં NEP 2020 અને NCF SE 2023 દ્વારા 21મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનું કાર્ય કરી શકે એ માટે આ આવૃત્તિઓ તૈયાર કરાઈ છે. NEP-2020 તેમજ NCF-2023ના અમલીકરણમાં તેમજ બાળકોમાં સમસ્યા ઉકેલ, ટીમવર્ક, સંવાદ કૌશલ્ય અને ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવવામાં આ તાલીમ ખુબ જ મદદરૂપ બનશે.
શિક્ષકો વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવી બાળકની જરૂરિયાતો અને ક્ષમતાઓનું સંકલન કરી શિક્ષણકાર્ય હાથ ધરતા થાય તે માટે બે થી ત્રણ દિવસની તાલીમનું બ્લેન્ડેડ મોડ એટલે કે ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમમાં આયોજન કરાયું છે. આ તાલીમ તાલુકા મથકે યોજાઇ રહી છે. જેમાં જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યાં છે.
આ તાલીમમાં માત્ર પ્રવચન આધારિત નહીં, પરંતુ શિક્ષકોને વર્ગખંડ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુસર પ્રાયોગિક, જૂથકાર્ય, ડેમોસ્ટ્રેશન જેવી વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિઓની સાથે NEP-૨૦૨૦માં ભલામણ કરાયેલી ઇનોવેટીવ શિક્ષણ પદ્ધતિઓનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયેલી શિક્ષક આવૃત્તિ જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ એમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જેનો લાભ લેવા જીસીઇઆરટીના નિયામકએ શિક્ષકોને ખાસ જણાવ્યું છે.
તાલીમના ઉદ્દઘાટન સત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઇ.જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક પી. કે. ત્રિવેદી, અધિક નિયામક ડૉ. એ.કે.પટેલ અને રીડર ડૉ. દેવદત્ત પંડ્યા ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોએ શિક્ષકે હમેંશા શીખતા રહી સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી છે, તેમ જણાવી વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા સૂચન કર્યું હતુ. તેમણે શિક્ષકોને જીસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી શિક્ષક આવૃત્તિનો મહત્તમ ઉપયોગ કરી વર્ગખંડ પ્રક્રિયાને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા પણ અનુરોધ કર્યો હતો