ગાઝા: ત્રણ પેલેસ્ટીની નાગરિકોની ઇઝરાઇલની મદદ કરવાના આરોપ સાથે હમાસે કરી હત્યા
ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં ઇઝરાઇલના ચાલુ હુમલાઓ વચ્ચે કટ્ટરપંથી સંગઠન હમાસનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિઓમાં જોવા મળે છે કે, હમાસના લડવૈયાઓએ ત્રણ પેલેસ્ટીની નાગરિકોને રસ્તા પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકો પર ઇઝરાઇલને મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હમાસ સંકળાયેલા ટેલિગ્રામ ચેનલ પર મુકાયેલા વિડિઓમાં ત્રણ લોકોને રસ્તા પર ઘૂંટણિયે બેસાડવામાં આવ્યા હતા, તેમની આંખો પર પટ્ટી બાંધેલી હતી, જ્યારે તેમના પાછળ ત્રણ હથિયારધારી લડવૈયાઓ ઑટોમેટિક રાઇફલ સાથે ઊભા હતા. એક લડવૈયો અરબી ભાષામાં મૃત્યુદંડનો આદેશ વાંચી રહ્યો હતો.
મિડલ ઈસ્ટ રિપોર્ટિંગ અને એનાલિસિસ કમિટીએ બ્રિટિશ અખબાર ટેલિગ્રાફને આપેલી માહિતી અનુસાર હમાસના લડવૈયાઓએ જણાવ્યું હતું કે, “પેલેસ્ટીની ક્રાંતિ કાયદા મુજબ અને ક્રાંતિ કોર્ટના નિર્ણય આધારે, દેશ અને પોતાના જ લોકો સાથે દ્રોહ કરનારા તથા કબજેદારો સાથે મળી પોતાના જ નાગરિકોને મારનારા સામે મોતની સજા ફરમાવાઈ છે.” ત્રણેય લોકોના માથા અને શરીરના ઉપરના ભાગમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. બાદમાં તેમની લાશ પર અરબી ભાષામાં લખેલા કાગળ ચોંટાડવામાં આવ્યા હતા, જેમાં લખેલું હતું કે, “તમારો દ્રોહ સજા વિના નહીં રહે, કઠોર સજા તમારો ઈંતઝાર કરી રહી છે.”
હમાસના ગૃહ મંત્રાલયે પણ મૃતકો પર ઇઝરાઇલ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ ઇઝરાયેલી અખબાર ઇઝરાયેલ હયોમએ દાવો કર્યો કે આ હત્યામાં ઇસ્લામિક જિહાદ અને મુજાહિદ્દીન બ્રિગેડ્સની ભૂમિકા રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે હમાસે પોતાના જ પેલેસ્ટીની નાગરિકો પર બર્બરતા દર્શાવી છે. મે મહિનામાં પણ હમાસના લડવૈયાઓએ છ પેલેસ્ટીની નાગરિકોને સજીવન મોતની સજા આપી હતી, જેમને માનવીય સહાયતા રૂપે મળેલા સામાનની લૂંટનો આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત 13 લોકોને તેમના પગમાં ગોળી મારીને સજા કરવામાં આવી હતી.