ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે.
સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને "બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ"માં ઉતરવાનું આહ્વાન કર્યું હતું. આ સંગ્રામ કોઈ સરકાર સામે નહીં પરંતુ વિદેશી ટેકનોલોજી અને વિદેશી ડેટા પર નિર્ભરતા સામેનું આહ્વાન હતું. તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને રાષ્ટ્રનિર્માણ પર ભાર મૂકવા આગ્રહ કર્યો હતો.
ભારતની પ્રતિભાને સશક્ત બનાવવા માટે અદાણીએ IIT ચેન્જ મેકર્સ ફેલોશિપનું અનાવરણ પણ કર્યું હતું. IIT ખડગપુર સંકલિત આ ફેલોશિપ શિક્ષણ અને ઉદ્યોગને એક કરવા માળખાગત પ્લેટફોર્મ પ્રદાન કરશે. ગૌતમ અદાણીએ નવીનીકરણીય ઉર્જા, બંદરો અને લોજિસ્ટિક્સ, અને એરપોર્ટ અને સ્માર્ટ મોબિલિટીમાં "જીવંત પ્રયોગશાળાઓ" થી શરૂઆત કરવા એવી યોજનાઓની રૂપરેખા આપી હતી, જે વિદ્યાર્થીઓને AI-સંચાલિત ગ્રીડ ટૂલ્સ, મશીન-લર્નિંગ લોજિસ્ટિક્સ અને ઈન્ટેલીજન્ટ એરપોર્ટ સિસ્ટમ્સ વિકસાવવાની તકો પૂરી પાડશે.
ભારતના ભાવિ ઘડવૈયાઓ અને મહાનુભાવોથી ભરચક ઓડિટોરિયમમાં અદાણીએ જણાવ્યું હતું કે કે "ભારત 1947 થી સ્વતંત્ર હોવા છતાં સેમિકન્ડક્ટર, તેલ, સંરક્ષણ હાર્ડવેર અને વિદેશી ડેટા સિસ્ટમ્સ પર નિર્ભરતાને કારણે ભારે સંવેદનશીલ રહે છે. આજના યુદ્ધો સર્વર ફાર્મ્સમાં લડવામાં આવે છે, જેમાં શસ્ત્રો તરીકે અલ્ગોરિધમ્સ હોય છે અને ડેટા સેન્ટરો, સામ્રાજ્યો નહીં, સત્તા ધરાવે છે."
દેશની ચાર મહત્વપૂર્ણ નબળાઈઓ ગણાવતા તેમણે કહ્યું કે: ભારત 90% સેમિકન્ડક્ટર, 85% તેલ, મોટાભાગના લશ્કરી હાર્ડવેરની આયાત કરે છે. આપણો રાષ્ટ્રીય ડેટાને વિદેશની સંપત્તિ બની રહ્યો છે. આવી પ્રથાઓ વિદેશી સંપત્તિ અને વર્ચસ્વને પ્રોત્સાહન આપે છે.
ભવિષ્યમાં કોર્પોરેશનોનો પ્રભાવ રાષ્ટ્રો કરતા વધુ હશે તેવી આગાહી કરતા ગૌતમ અદાણીએ ભારતને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી. તેમણે ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓની પુનઃકલ્પનાનું પણ આહ્વાન કર્યું અને સિલિકોન વેલી જેવા મોડેલોમાં મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
અદાણીએ તે વાત પર પણ ભાર મૂક્યો કે યુનિવર્સિટીઓએ સંશોધનનું નેતૃત્વ કરવું જોઈએ અને કોર્પોરેશનોએ અમલીકરણ કરવો જોઈએ. ઉદ્યોગસાહસિક યાત્રાના અનુભવ પરથી તેમણે વિદ્યાર્થીઓને જોખમ લેવા અને ૨૦૫૦ સુધીમાં ભારતની ૨૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા, જે સૂચવે છે કે અસાધારણ તકનો યુગ આવી રહ્યો છે. ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દીના નિર્ણયોમાં પગાર કરતાં વારસાને વધુ પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.
અદાણીએ યુવાધનને "ભારતના નવા સ્વતંત્રતા સેનાનીઓ" ગણાવતા તેમને આરામ કરતાં વારસો પસંદ કરવા અને મહત્વાકાંક્ષા અને સર્જનાત્મક વિચારો થકી સાર્વભૌમ, નવીન રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ કરવા અપીલ કરી હતી. અદાણીએ સમાપનમાં જણાવ્યુ હતું કે "તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈ ભય તમને જકડી ન શકે. આપણું નવુ ભારત તમારી રાહ જોઈ રહ્યું છે."