ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા ગણાવતા તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ચેતવણી આપતા જણાવ્યું કે કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે.
"જીના યહાં, મરના યહાં: રાષ્ટ્ર નિર્માણનો સિનેમેટિક આત્મા" શીર્ષક ધરાવતા મુખ્ય ભાષણમાં તેમણે જણાવ્યું કે "સિનેમાની ગતિમાં કવિતા, રંગમાં ફિલસૂફી અને અવાજમાં રાષ્ટ્રના હૃદયના ધબકારા છે." અદાણીએ ફિલ્મોને સમાજની સામૂહિક સ્મૃતિ, સંસ્કૃતિઓ વચ્ચે પુલ ગણાવી સોફ્ટ પાવરના શક્તિશાળી સ્વરૂપ તરીકે વર્ણવી હતી.
મુંબઈની ફિલ્મ સિટીમાં 2૦ એકરના કેમ્પસમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ દ્વારા 2૦૦6માં સ્થાપિત, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ભારતની અગ્રણી ફિલ્મ સંદેશાવ્યવહાર અને સર્જનાત્મક કળા સંસ્થાઓમાંની એક છે. તે ફિલ્મ નિર્માણ, અભિનય, એનિમેશન, ફેશન, સંગીત અને મીડિયા મેનેજમેન્ટના કાર્યક્રમો ચલાવતી વિશ્વની ટોચની ફિલ્મ શાળાઓમાંની એક છે.
જાણીતા ફિલ્મ કલાકાર ગુરુદત્ત અને રાજ કપૂરની શતાબ્દીને શ્રદ્ધાંજલિ આપતા અદાણીએ કહ્યું કે તેમના કાર્યોએ સિનેમાની પરિવર્તનશીલ શક્તિનું ઉદાહરણ આપ્યું છે. "રાજ કપૂરની અનારીના ગીતો ફક્ત કળા જ નહોતા, તે ફિલસૂફી હતી. તેમણે વિશ્વ માટે ભારતનો અર્થ શું છે તે વ્યાખ્યાયિત કર્યું," તેમણે જણાવ્યું કે સોવિયેત યુનિયનમાં રાજ કપૂરની લોકપ્રિયતાએ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવ્યા હતા જ્યારે રાજકીય જોડાણો નાજુક હતા.
અદાણીએ પોતાની જીવનકથા સાથે સિનેમાને જોડતા જણાવ્યું કે, તેમની વ્યક્તિગત યાત્રાને સિનેમાએ કેવી રીતે આકાર આપ્યો. તેમણે પ્રેક્ષકોને કહ્યું કે "હું 16 વર્ષના બાળક તરીકે ખાલી ખિસ્સા સાથે પણ સપનાઓથી ભરેલું આકાશ સાથે મુંબઈ આવ્યો હતો. 30 વર્ષની ઉંમર સુધીમાં, મેં ભારતનું સૌથી મોટું વેપારી ઘર બનાવ્યું હતું, 32 વર્ષની ઉંમર સુધીમાં મેં તેને જાહેરમાં રજૂ કરી દીધું હતું, અને 34 વર્ષની ઉંમરે હું બંદરો અને પાવર ઉદ્યોગમાં હતો. હું જે હીરોને જોઈને મોટો થયો છું તે ખરેખર વાસ્તવિક જીવનમાં જીવી શકાય છે".
અદાણી ગ્રુપના ચેરમેને સિનેમાથી આગળ વધીને પોતાની ટિપ્પણીઓનો વ્યાપ વધારતા કહ્યું કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં વાર્તાઓ ફક્ત સંસ્કૃતિને જ નહીં પરંતુ અર્થતંત્ર અને બજારોને પણ આકાર આપે છે. તેમણે યુએસ શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના જાન્યુઆરી 2023ના અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટા પાયે ધોવાણ થયું હતું.
તેમણે જણાવ્યું કે "હિંડનબર્ગનો આ અહેવાલ વૈશ્વિક ઇકો ચેમ્બરમાં ફેલાવવામાં આવેલી ખોટી સ્ક્રિપ્ટ હતી. થોડા દિવસોમાં $100 બિલિયનથી વધુનું બજાર મૂલ્ય નાશ પામ્યું. એટલા માટે નહીં કે હકીકતો બદલાઈ ગઈ હતી, પરંતુ એટલા માટે કે ધારણા સાથે છેડછાડ કરવામાં આવી હતી" તેમણે ઉમેર્યુ હતુ કે "મૌન બીજાઓ માટે તમારું ભાગ્ય લખવાની જગ્યા છોડે છે. સત્ય મોટેથી કહેવું જોઈએ - પ્રચાર તરીકે નહીં, પરંતુ હેતુ તરીકે."
અદાણીએ સૂચવ્યું કે હિન્ડેનબર્ગ એપિસોડ ફક્ત એક કંપની વિશે નહીં પરંતુ ખોટી માહિતી અને ગોઠવાયેલી વાર્તાઓ બજારો અને અર્થતંત્રોને કેવી રીતે અસ્થિર કરી શકે છે તે વિશે છે.
અદાણીએ સિનેમા તરફ આગાહી કરતા જણાવ્યું કે AI (કૃત્રિમ બુદ્ધિ) ફિલ્મ નિર્માણમાં ક્રાંતિ લાવશે, જેમ તે આરોગ્યસંભાળ અને ઉર્જામાં પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે "આગામી દાયકામાં, સર્જન ખર્ચ 80% સુધી ઘટી શકે છે. કલ્પના કરો કે એક જ દિવસે જે ફિલ્મ વૈશ્વિક રિલીઝ થાય, મિનિટોમાં ભાષાઓમાં AI-સંચાલિત સંગીત રચાય, વાસ્તવિક સમયમાં અનુકૂલનશીલ ગતિશીલ સ્ક્રિપ્ટો, હાયપર-પર્સનલાઇઝ્ડ ફિલ્મો જ્યાં દરેક દર્શક પોતાનું સંસ્કરણ થાય અને ડિજિટલ કલાકારો જે પેઢીઓથી આગળ જીવે છે તે બધુ જ પાર પાડે."
AI સ્ટુડિયોની કલ્પના કરતા તેમણે જણાવ્યુ કે મનુષ્યો અને મશીનો સહયોગ કરે અને સિનેમા પોતે વાણિજ્ય બની જાય. "સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુ ખરીદી માટે તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકે."
અદાણીનું સૌથી તીક્ષ્ણ આકર્ષણ વ્હિસલિંગ વુડ્સના વિદ્યાર્થીઓ પર નિર્દેશિત હતું. તેમણે વિદેશી દ્રષ્ટિકોણને વિશ્વ માટે ભારતીય વાર્તાઓને વ્યાખ્યાયિત કરવા સામે ચેતવણી આપી, સ્લમડોગ મિલિયોનેરને ગરીબીને કેવી રીતે તમાશા તરીકે પેક કરવામાં આવી હતી તેનું ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું કે "ભારતને તેનો અવાજ પાછો આપો, તેના ગીતો પાછા આપો, તેની વાર્તાઓ પાછા આપો."
વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના દિગ્ગજો, શિક્ષણવિદો અને નીતિવિષયક વ્યક્તિઓ, જેમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, ફેકલ્ટીના સભ્યો અને ભારતના મનોરંજન અને મીડિયા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે અદાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.