હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

12:33 PM Nov 15, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી કુલ રૂા. ૧૭.૫૨ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ની દિશામાં મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વેચાણમાં નિગમ દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં આપવામાં આવેલા ગિફ્ટ હેમ્પર તથા સરકારી કચેરીઓમાં કરેલા સુશોભનની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

Advertisement

સ્થાનિક કારીગરોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિગમના તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો (ટીસીપીસી) મારફત સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓના રૂા.૧૩૦૩.૨૨ લાખના ખરીદ ઓર્ડર કારીગરોને આપવામાં આવ્યા છે. આ વેચાણ દ્વારા રાજ્યભરના કુલ ૭,૦૦૦થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહનની સાથે સાથે રોજગારી આપવામાં આવી છે. કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીથી દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્વદેશી હાથશાળ - હસ્તકલાની પરંપરાગત ઉત્પાદનોની ખરીદી કરીને આપણા વારસાનું જતન કરવામાં આવી રહ્યું છે.

Handicraft business in Gujarat

નિગમ દ્વારા વધુમાં આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદુન,લખનઉ, કોલકાતા,સુરત, સુરજકુંડ-ફરીદાબાદ વગેરે સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવનાર છે.

Advertisement

નિગમ અંતર્ગત કાર્યરત યોજનાઓ તથા એમ્પોરિયમ્સ થકી “સ્વદેશી અપનાવો”ના ભાવને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચાર પ્રસાર અને પ્રસિદ્ધિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે,જેથી નાગરિકો સ્થાનિક કારીગરોને સહાય કરી શકે અને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા પ્રોત્સાહિત કરી શકાય. સાથે જ જનજાગૃતિ અને વ્યાપક પહોંચ માટે વિવિધ મીડિયા માધ્યમો જેમ કે રેડીયો ઇન્ટરવ્યુ, વ્યાપક આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે હોર્ડીગ્સ તથા મુખ્ય રેલવે સ્ટેશનો પર એડવર્ટાઇઝિંગ બોર્ડ્સ વગેરેના ઉપયોગથી કેન્દ્ર સરકારની “વોકલ ફોર લોકલ” પહેલને વધુ બળ મળી રહ્યું છે. “સ્વદેશી અપનાવો”ના સંદેશને અસરકારક રીતે રજૂ કરવાની સાથે સાથે ગુજરાતની સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલાના વારસાને ઉજાગર કરવામાં આવી રહ્યો છે.

વધુમાં ગરવી ગુર્જરીના ઉપક્રમે કારીગરોના કૌશલ્ય અને તેઓ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોને અદ્યતન ડિઝાઇન તથા બજારની જરૂરિયાત મુજબ વસ્તુઓને વિકસાવવામાં પણ મદદ કરવામાં આવે છે. જે અંતર્ગત ગરવી ગુર્જરી ડિઝાઇન વર્કશોપ, તાલીમ, માર્કેટ ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેશન અને સ્પેશિયલ ડિઝાઇન કેમ્પનું આયોજન કરે છે. જેના દ્વારા પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરીયાત મુજબ ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવે છે. આમ, નિગમ દ્વારા સ્વદેશી ઉત્પાદનો સ્થાનિક બજારથી લઇને વૈશ્વિક બજાર સુધી પહોચાડવાના વિવિધ સ્વરૂપે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનો સીધો લાભ રોજગારીરૂપે સ્થાનિક કારીગરોને મળી રહ્યો છે. આ સ્વદેશી વસ્તુઓની ખરીદી ગરવી ગુર્જરીના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, સાળંગપુર, લિબંડી, ભરૂચ, આણંદ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, સુરેન્દ્રનગર, એકતાનગર અને રાજકોટમાં આવેલા આઉટલેટ ઉપરાંત www.garvigurjari.gujarat.gov.in પરથી ઓનલાઇન પણ કરી શકાય છે તેમ, હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા જણાવાયું છે.

Advertisement
Tags :
businessGarvi GurjariGujarat governmentGujarat Handicrafts CorporationGujarat newsHandicraft newsHandicraft-Handicraft artisanshandicrafts and handloom salesindigenous handicrafts
Advertisement
Next Article