દહેગામના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂપિયા 44.76 લાખ પડાવ્યા
- વિડિયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી,
- તમારા મોબાઈલના નંબર પર 24 ગુનો નોંધાયા હોવાનું કહીને ધમકી આપી,
- મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી
ગાંધીનગરઃ કેન્દ્ર કે રાજ્યના સરકારી વિભાગો કે અધિકારીઓ દ્વારા કોઈનેય ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકારે સ્પષ્ટ સુચના અને જાહેરાતો કરી હોવા છતાંયે ઘણા લોકો સાયબર માફિયાની ઝાળમાં ફસાય રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામના 67 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને અજાણ્યા શખસે વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. બાદમાં સિનિયર સીટીઝનના નામના અન્ય એક મોબાઇલ નંબર પર 24 ગુના નોંધાયા હોવાનું કહી ડિજિટલ એરેસ્ટના નામે મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતામાંથી ટુકડે ટુકડે 44.76 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, દહેગામ તાલુકાના સાણોદા ગામના નિવૃત્ત રઘુનાથ મફતાજી ચૌહાણ સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને અજાણ્યા શખ્સે રૂ.44.76 લાખની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ગત તા. 24/09/2025ના રોજ રઘુનાથભાઈના મોબાઇલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતે મુંબઈ દૂર સંચારમાંથી હોવાની ઓળખ આપી હતી. તેણે રઘુનાથભાઇને જણાવ્યું હતું કે, તમારા નામના અન્ય એક મોબાઇલ નંબર પર કુલ 24 ગુના નોંધાયેલા છે. જેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નંબર પર સંપર્ક કરી જરૂરી માહિતી આપીને પોલીસ ક્લિયરન્સ સર્ટી મેળવી લેશો તો જ એ નંબર બંધ થશે.
આથી કોલથી ડરીને આપેલા નંબર પર વૃદ્ધે સંપર્ક કરતા કહેવામાં આવ્યું હતું કે, નાણા વિભાગમાં પણ કેસ થયો છે. જેમાં તમારા નામનું કેનેરા બેંકમાં ખાતુ ખુલેલું છે અને તેમાં ધાક ધમકીથી બે કરોડ જેટલા રૂપિયા ચોવીસ એન્ટ્રીથી જમા થયા છે. જે નરેશ ગોયેલ નામની વ્યક્તિએ તે ઉપાડી લીધા છે. આ નરેશ ગોયેલે તમને ખાતું ભાડે આપવાના પાંચ લાખ અને બે કરોડનું 10 ટકા કમિશન લેખે વીસ લાખ રૂપિયા એમ કુલ 25 લાખ રૂપિયા રોકડા આપ્યા છે. વધુમાં કહેવાયું હતું કે, તમે સિનીયર સીટીઝન અને ગુજરાતના હોવાથી ઓનલાઇન તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવી તમારી સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે.
સાયબર માફિયાઓએ ત્યારબાદ વૃદ્ધાને અલગ અલગ ત્રણ નંબરથી વીડિયો કોલ કર્યા હતા. જેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચથી વિજય ખન્ના ઇન્વેસ્ટીગેશન ઓફિસર હોવાની ઓળખ આપી હતી. શરૂઆતમાં પોલીસના ગણવેશમાં બેસી તેણે આ તપાસ દરમિયાન કોઇને જાણ નહીં કરવા સૂચના આપી ડિજીટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. અને કહ્યું કે, હીયરીંગ વખતે તમારે કોઈને જાણ ના થાય તે માટે કોઇ હોટલમાં રૂમ ભાડે રાખી જતુ રહેવાનું છે. બાદમાં વ્હોટ્સએપ ઉપર આધાર કાર્ડ, નિયમ ભંગ, ક્રાઇમ બ્રાન્ચ મુંબઇનો સિક્કાવાળો લેટર, ઇન્ટ્રોગેશન રેકોર્ડ, કોર્ટ હુકમ લેટર તેમજ જુદા જુદા ફોટા તથા મની લોન્ડરિંગ ફ્રોડ કેસનો નરેશ ગોયેલના ફોટા તથા નામ વાળો લેટર તેમજ જે પૈસા જમા કરાવેલ તેની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રસીદો મોકલી આપી હતી. ત્યારબાદ બેંક ખાતાઓ વેરીફાય કરવાના બહાને રઘુનાથભાઈ પાસે મ્યુચ્યુલ ફંડ ઉપડાવી તેમજ બેંક ખાતામાંથી અલગ અલગ ખાતામાં કુલ રૂ.44.76 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને કહેવામાં આવ્યું હતું કે, તમારે પૈસા પાછા મેળવવા માટે તમારા નજીકના પોલીસ સ્ટેશન ખાતેથી NOC મેળવીને મોકલવાનો રહેશે. જેથી રઘુનાથભાઈ તા.11/10/2025ના રોજ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે NOC લેવા માટે ગયા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામનું પી.સી.સી. સર્ટી બતાવી સઘળી વાત કરતા પોલીસે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ કરાવ્યો હતો. આ અંગે વૃદ્ધની ફરિયાદના આધારે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.