અમદાવાદના વસ્ત્રાલમાં ગેન્ગવોર, વર્ચસ્વ જમાવવા નિર્દોષ લોકો પર હુમલા કરાયાં
- રોડ પર જતા-આવતા નિર્દોષ નાગરિકો પર હુમલા કરાયા
- વાહનોના કાચ કાચતોડીને આતંક મચાવ્યો
- પોલીસે 9 શખસોની કરી ધરપકડ
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારને શરમાવે એવી ગુંડાગીરી વકરી રહી છે. અસામાજિક લૂખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે રસ્તે જતા નિર્દોષ લોકો સાથે પણ મારપીટ કરી રહ્યા છે. ત્યારે વસ્ત્રાલમાં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
અમદાવાદમાં એક તરફ હોલિકાદહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યાં હતાં તે સમયે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા હતા. અને જે સામે આવ્યા તેને માર માર્યો હતો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના ધોઈ નાંખ્યા હતા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટનામાં 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જોકે અન્ય તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે સૂત્રોના કહેવા મુજબ શહેરના વસ્ત્રાલ પાસે આવેલા મહાદેવનગર નજીક સાંજે હોલિકાદહન માટે લોકો નીકળ્યા હતા. આ સમયે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી પરંતુ બંનેને એકબીજાના માણસો મળતા ન હતા. એ સમયે આ બધા લોકોનું એક ટોળું મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધી રહ્યું હતું. તેઓ પોતાની અદાવત હોય તેવા લોકો મળતા ન હોવાથી રસ્તામાં જે પણ આવતા તેમને મારતા હતા. ત્યારબાદ પથ્થરમારો શરૂ કર્યો અને હથિયારો લઈને ગંદી ગાળો બોલતા જે સામે મળે તેને મારતા હતા. અચાનક વિસ્તારમાં થયેલી અફરાતફરીથી સ્થાનિકો ફ્ફડી ઊઠ્યા હતા અને થોડીવાર તો શું કરવું તેની પણ કંઇ ખબર નહોતી પડતી. લુખ્ખાઓએ દુકાનોમાં પથ્થરો મારવાના શરૂ કર્યા જેમાં બે-ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આવીને 9 જેટલા લોકોની અટકાયત હતી.