કચ્છના હાઈવે પર વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી ગેન્ગના સાગરિતો પકડાયા
- ગાંધીધામના પડાણા નજીક 2000 લિટર ડીઝલની ચોરીનો બનાવ બન્યો હતો,
- ફરિયાદ નોંધાયા બાદ ગાંધીધામ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા,
- 3 શખસો પકડાયા, ત્રણની શોધખોળ જારી
ગાંધીધામઃ કચ્છના હાઈવે પર હોટલો કે અન્ય જગ્યાઓ પર પાર્ક કરેલી ટ્રકો, ટ્રેલરોમાંથી ડીઝલની ચોરી કરતી ગેન્ગના સાગરિતોને ગાંધીધામ પોલીસે દબોચી લીધા છે. હાલ ત્રણ શખસો પકડાયા છે, અને તેના વધુ સાગરિતોને પકડવા પોલીસે દોડધામ કરી રહી છે. પોલીસે આરોપી પાસેથી 2000થી વધુ લીટર ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભચાઉ નેશનલ હાઈવે પર અલગ-અલગ પાર્કિંગ પ્લોટોમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગનાં ત્રણ સભ્યોને ગાંધીધામ પોલીસે ઝડપી પાડયા હતા. ગાંધીધામના પડાણામાં આવેલા પાર્થ લોજીસ્ટીકના વર્કશોપમાં પાર્ક કરેલા ચાર ટેન્કરની ટાંકીમાંથી 1200 લીટર ડીઝલ અને તેમના નજીકના હિન્દુસ્તાન એનર્જી વર્કશોપમાં પાર્ક કરેલા ત્રણ ટેન્કરની ટાંકીમાંથી 870 લીટર ડીઝલની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન ત્રણ આરોપી ડીઝલ ચોરતા ઝડપાયા હતા.
આ બનાવ અંગે પોલીસે નેશનલ હાઈવે ઉપર પાર્ક કરેલા વાહનોમાં કાર વડે રેકી કરી ડીઝલ ચોરી કરતી ભુજના નાના દિનારાની સક્રિય ગેંગનાં ત્રણ શખ્સો અજીજ સિધિક સમા (નાના દિનારા, ભુજ), અજીજ સાલેમામદ સમા(ભુજ) અને અબ્દરરીહમ મુસા સમા(મોટા દિનારા, ભુજ)ને ગાંધીધામ નજીક હાઈવે પરથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી સ્વીફટ કાર, ચાર મોબાઈલ ફોન, ડીઝલ ચોરી કરવા રાખેલા ચાર કેરબા, ડીઝલ ચોરી કરવા ઉપયોગમાં લેવાતો પ્લાસ્ટીકનો પાઈપ, ટોર્ચ લાઈટ, અને પોતાના બચાવ માટે રાખેલા નાના મોટા પથ્થરો, ધારીયુ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રજાક અલીમામદ સમા (નાના દિનારા, ભુજ), ડીઝલ ખરીદનાર મીરમામદ સાલેમામદ હિંગોરજા(વરસાણા), દિનમામદ સાલેમામદ હિંગોરજા(વરસાણા)ને પકડવાના બાકી છે.