અમદાવાદમાં મહિલાઓના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચીને પલાયન થતી ગેન્ગ પકડાઈ
- ઇસનપુર પોલીસે બુટ્ટી ખેંચી લેતી ગેંગ ઝડપી પાડી,
- આરોપીઓની ધરપકડ થતા 5 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો,
- આરોપીઓ પાસેથી 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો,
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની ચેન સ્નેચિંગ તેમજ મહિલાઓની કાનની સોનાની બુટ્ટી ખેંચી લેવાના બનાવો વધી રહ્યા હતા. દરમિયાન ઇસનપુર પોલીસે બુટ્ટી ખેંચી લેતી ગેંગના ત્રણ શખસોને દબોચી લીધા છે. આરોપીની ધરપકડ થતા 5 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ એક જ ઝાટકે મહિલાઓના કાનથી બુટ્ટી ખેંચી ફરાર થઈ જતા હતા, જેના અલગ અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 16 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ રમીલાબેન કાલા નામના મહિલા સવિતા પાર્ક સોસાયટી ગેટની પાસેથી ચાલતા ચાલતા જતા હતા. તે દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ સવિતાબેનના કાનમાં પહેરેલી સોનાની કડી ખેંચી લીધી હતી. કડી ખેંચીને તરત જ ભાઈક પર શખસો નાસી ગયા હતા. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે હરમાસ શેખ, મોહમ્મદ નવાઝ શેખ અને મોહસીન રંગરેજ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા અન્ય ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓએ માત્ર ઇસનપુર જ નહીં પરંતુ નારોલ, મણીનગર અને વટવા વિસ્તારમાં અલગ અલગ મહિલાઓના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી. આરોપીઓની ધરપકડથી પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી કુલ 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ વેજલપુર, દાણીલીમડા, માધુપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.