આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને દરોડો પાડી નાણા પડાવતી ગેંગ ઝડપાઈ
કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં નકલી અધિકારી બનીને ફિલ્મી શૈલીમાં દરોડા પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોલિવૂડ ફિલ્મ 'સ્પેશિયલ 26' ની જેમ, કેટલાક લોકોએ નકલી આવકવેરા અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને દરોડા પાડ્યાં હતા. તેમજ નાણા પડાવ્યાં હતા. પોલીસે આ કેસમાં સંડોવણીના આરોપસર પાંચ CISF કર્મચારીઓ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી છે.
બાગુઆટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નકલી આઇટી રેડ ફરિયાદના સંદર્ભમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૮ માર્ચે શરૂ થયેલા આ કેસમાં ધરપકડ કરાયેલા આઠ લોકોમાંથી પાંચ CISF કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલાની તપાસ ચાલુ છે. આ મામલે CISF દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે.
CISF અનુસાર, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોલકાતા પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં આંતરિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં 26 માર્ચે એક મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ CISF કર્મચારીઓની ત્રણ અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 18 માર્ચે આવકવેરાના દરોડાના બહાને કોલકાતા નજીક એક ઘરમાં લૂંટ ચલાવવાનો આરોપ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે અને તે સમયસર પૂર્ણ કરવામાં આવશે. પાંચેય CISF કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કોલકાતા પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને તપાસના પરિણામોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.