ગાંધીનગર RTO દ્વારા કોમર્શિયલ ટેક્સ ન ભરનારા વાહનમાલિકો પાસે 1.21 કરોડની વસુલાત કરી
- છેલ્લા 5 વર્ષથી કેટલાક કોમર્શિય વાહનના માલિકો ટેક્સ ભરતા નહતા
- 2951 વાહનોનો 18 કરોડનો ટેક્સ બાકી હોવાથી વસૂલાત ઝૂંબેશ
- માત્ર 200 વાહનમાલિકો આરટીઓ કચેરી આવીને ટેક્સ ભરી ગયા
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ વાહનોના માલિકોવા બાકી લેણાની વસુલાત માટે આરટીઓએ ઝૂંબેશ આદરી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ નહીં ભરનારા કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી વસુલાતની કામગીરી આરટીઓ દ્વારા બે ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં 1થી 5 વર્ષ સુધી કોમર્શિયલ ટેક્સ નહીં ભરનારા કુલ 2951 વાહનો પાસે 18 કરોડનો ટેક્સ બાકી છે. તેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 200 વાહનોના માલિકો પાસેથી 1.21 કરોડનો ટેક્સ વસૂલાયો છે.
ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા હાલમાં ટેક્સની વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં 1થી 5 વર્ષ સુધી કોમર્શિયલ વાહનોના માલિકો દ્વારા ટેક્સ ભર્યો નથી. તેવા વાહનોના માલિકો પાસેથી ટેક્સની વસુલાત શરૂ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 2951 કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી કુલ-18 કરોડનો ટેક્સ વસૂલવામાં બાકી છે. જોકે પાંચ વર્ષથી વધુ સમયથી કોમર્શિયલ વાહનોના માલિકોએ ટેક્સ ભર્યો નથી તેવા 4100થી વધારે વાહનોનો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લા આરટીઓ કચેરી દ્વારા કોમર્શિયલ વાહનોના ટેક્સની વસુલાત માટે ઇન્સ્પેક્ટરોની બે ટીમો બનાવીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં વાહન માલિકોને ટેક્સ ભરી જવા માટે નોટીસ ફટકરાવામાં આવી છે.
ગાંધીનગર આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ કોમર્શિયલ વાહનોનો ટેક્સ બાકી છે, એવા વાહનમાલિકો ટેક્સ ભરવા ઓફિસમાં નહીં આવે તો તેમના ઘરે જઇને ટેક્સની વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમાં આરટીઓ ઇન્સ્પેક્ટરોની બે ટીમો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 200 કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી 1.21 કરોડનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. કોમર્શિયલ વાહનોના ટેક્સની વસુલાત માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે જુના વાહનો સ્ક્રેપ કરાય તો વાહનના ટેક્સ સબંધિત તમામ બાકી લેણાં માફ કરાશે. જોકે તેમાં આઠ વર્ષથી જુના વાહનો અને કોમર્શિયલ ટેક્સ ભર્યો નથી તેવા વાહનોનો સમાવેશ કરવામાં આવે છે.