ગાંધીનગર મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે લગાવાયેલા 40 હોર્ડિંગ્સ હટાવાયા
- ગાંધીનગરમાં નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસીનો અમલ શરૂ
- નવા વિસ્તારોમાં અગાઉ ગુડાએ મંજુરી આપી હતી
- ગુડાએ આપેલી સમયમર્યાદા પૂર્ણ થતાં હોર્ડિંગ્સ હટાવાયા
ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી બનાવમાં આવી છે. અને તેના માટે મંજુરી લેવી ફરજિયાત છે. શહેરમાં ઘણાબધા હોર્ડિંગ ગેરકાયદે એટલે કે મંજુરી વિના લાગેલા છે. અગાઉ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મંજુરી આપી હતી. અને તેની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. ગુડાનો ઘણો વિસ્તાર હવે મ્યુનિ.કોર્પોરેશનની હદમાં આવી ગયો છે. ત્યારે મ્યુનિ.દ્વારા મંજૂરી વિનાના તમામ હોર્ડિંગ્સને ગેરકાયદે ગણાવીને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 40થી વધુ હોર્ડિંગ્સ મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા.
ગાંધીનગર શહેરનો કેટલોક વિસ્તાર અગાઉ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) હસ્તક હતો ત્યારે ગુડા દ્વારા વિવિધ એજન્સીને હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે પછી આ વિસ્તાર મ્યુનિ,કોર્પોરેશન હસ્તક આવી ગયો હતો. બીજીતરફ ગુડા દ્વારા આપવામાં આવેલી મંજૂરીની સમયમર્યાદા પણ પુરી થઇ ગઇ હતી. જેથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમ છતાં આ હોર્ડિંગ્સ હટાવવામાં નહીં આવતાં મ્યુનિની ટીમો દ્વારા આવા હોર્ડિંગ્સ હટાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની નવી પોલીસી મુજબ શહેરમાં કોઇપણ જગ્યાએ હોર્ડિંગ્સ કે બેનર લગાવવા માટે મંજૂરી લેવી ફરજિયાત છે. આ ઉપરાંત હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર પણ એકસમાન રાખવાના રહે છે. જેથી મંજૂરી વિનાના તમામ હોર્ડિંગ્સ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. આગામી સમયમાં પણ ઝુંબેશ ચાલું રહેશે.