ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ભીખારીમુક્ત બનાવાશે
- મ્યુનિએ શહેરમાં કેટલાં ભીખારી છે એનો સર્વે હાથ ધર્યો
- શહેરના ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર સૌથી વધુ ભીખારીઓ જોવા મળ્યા
- ભીખારીઓને રોજગારી આપીને પુનર્વસન કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરની ભીખારી મુક્ત કરીને ભીખારીઓને રોજગારી આપીને તેમના પુનર્વસન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે.
કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દેશના દસ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન ભિખારીઓને શોધીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સર્વે દરમિયાન ભીખ માંગવા પાછળના કારણો પણ જાણવામાં આવશે. સરકાર 'સ્માઈલ યોજના' અંતર્ગત ભિખારીઓનું પુનર્વસન કરશે. તેમના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભિખારીઓને તેમની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં વારાણસીને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાની યોજના છે. અહીં 'વિદ્યાદાનમ' પ્રોગ્રામ હેઠળ ભિખારીઓને શિક્ષણ અને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ 2027 સુધીમાં વારાણસીને સંપૂર્ણપણે ભિખારી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.