ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન આઉટસોર્સિંગ સેવા માટે વર્ષે 21 કરોડનો ખર્ચ કરશે
- ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનનો આઉટ સોર્સથી ચાલતો વહિવટ
- કર્મચારીઓથી અનેક જગ્યાઓ ખાલી છતાં કાયમી ભરતી કરાતી નથી
- મ્યુનિમાં મોટાભાગના કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરી રહ્યા છે
ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી ન થવાથી કાયમી કર્મચારીઓની અછત છે. અને મ્યુનિનો વહિવટ આઉટસોર્સ કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના 2025-26ના બજેટમાં પણ આઉટસોર્સિંગ સ્ટાફના પગાર પાછળ 21 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જો કે મ્યુનિના સત્તાધિશોના કહેવા મુજબ હાલ ભરતીની પક્રિયા ચાલી રહી છે. જેને કારણએ આઉટસોર્સિંગ કર્મચારીઓની સંખ્યા ધીમે ધીમે ઓછી કરવામાં આવશે
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપનાને દોઢ દાયકો થવા આવશે છતાં મ્યુનિ.કોર્પોરેશન હજુ પણ સ્ટાફની બાબતમાં આઉટસોર્સિંગ પર આધારિત છે. તમામ શાખાઓમાં વર્ગ-3 અને 4ની જગ્યાઓ અને કેટલીક મહત્વની જગ્યાઓ પર પણ આઉટસોર્સિંગ સ્ટાફ લેવામાં આવ્યો છે. ત્યારે મ્યુનિ. દ્વારા આઉટસોર્સિંગ સ્ટાફના પગાર પાછળ વર્ષ 2025-26માં 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જોકે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ ખર્ચમાં ઘટાડો કરવામાં આવતા આ રકમ 21 કરોડ થશે. રેગ્યુલર ભરતીની પ્રક્રિયા ચાલું હોવાથી અને નવા નાણાકીય વર્ષમાં મહત્તમ કાયમી કર્મચારીઓ ઉપલબ્ધ થવાના હોવાથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરાયેલા સુધારા બજેટમાં આ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપના બાદ વેરા અને અન્ય આવકોમાં વધારો થતાં સ્ટાફની ભરતી તબક્કાવાર કરવામાં આવી હતી. પરંતુ વસતી અને વિસ્તાર વધતાં કામગીરીમાં પણ વ્યાપક વધારો થયો હતો. જેને પહોંચી વળવા માટે મંજૂર થયેલી જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન મ્યુનિ. દ્વારા મોટાભાગની જગ્યાઓ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટના બદલે કાયમી અધિકારી- કર્મચારીઓથી ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ક્લેરીકલથી લઇને ઇજનેરી, ફાયર સહિતની ટેક્નિકલ જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હાલ આ પ્રક્રિયા વિવિધ તબક્કે ચાલી રહી છે. જેને કારણએ આઉટસોર્સિંગ કર્મચારીઓની સંખ્યા ધીમે ધીમે ઓછી કરવામાં આવશે. વર્ષ 2025-26ના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારનો ખર્ચ 28 કરોડ રૂપિયા દર્શાવાયો હતો. સ્થાયી સમિતિ દ્વારા સંબંધિત શાખાધિકારી સાથે પરામર્શ કરવામાં આવ્યા બાદ અને ભરતી પ્રક્રિયા બાદ કેટલા સમયમાં કેટલા કાયમી કર્મચારીઓની નિમણૂંક થશે તે સહિતની બાબતોની સમીક્ષા કર્યા બાદ 7 કરોડનો ઘટાડો કરાયો છે.