ગાંધીનગર જિલ્લા પોલીસે મહિનામાં 3000 વાહનચાલકો પાસેથી 12 લાખનો દંડ વસૂલ્યો
- હેલ્મેટ, સીટબેલ્ટ અને વાહનો પર કાળી ફિલ્મ સામે દંડ વસુલાયો,
- ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ પર ચેકિંગ ઝૂંબેશ શરૂ કરાશે,
- હેલ્મેટ પહોર્યા વિના બાઈક ચલાવતા વધુ પકડાયા
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ઘણાબધા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવ અને ટ્રાફિકના કાયદાનું પાલન ન કરતા અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે શહેર-જિલ્લાની પોલીસ દ્વારા ઓક્ટોબર મહિનામાં સમયાંતરે ઝૂબેશ આદરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 3000 જેટલાં વાહનચાલકોને પકડીને તેમની પાસેથી રૂપિયા 12 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ કાળી ફિલ્મ સહિતના ટ્રાફિકના નિયમોએ ભંગ બદલ 3100 થી વધુ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ. 12.24 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લાના અનેક સ્થળોએ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોનું ચુસ્ત રીતે પાલન કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. જેના કારણે ટ્રાફિક પોલીસે પણ કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હિલર ચલાવતા, કાળી ફિલ્મ તેમજ સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લામાં વાહન ચાલકોમાં ટ્રાફિક અવરનેસ આવે અને માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે એ માટે જિલ્લા ટ્રાફિક પીઆઈ પી બી ચૌહાણની અલગ અલગ ટીમોએ કમર કસી છે. ઓક્ટોબર-2024 માસમાં જિલ્લાના માર્ગો ઉપર વાહન લઇને પસાર થતાં 3186 ચાલકો પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસુલવા આવ્યો છે. જે અન્વયે હેલ્મેટ વિનાનાં 237, સીટ બેલ્ટનાં 108, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા 28,કાળી ફિલ્મનાં 179, ફેન્સી નંબર પ્લેટનાં 257 તેમજ અન્ય ટ્રાફિકના નિયમોનાં ભંગ બદલ 2 હજાર 380 મળીને કુલ 3 હજાર 186 વાહન ચાલકો પાસેથી 12 લાખ 25 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો,