હાઈ-વે પરનો મહી નદીનો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહનો નદીમાં ખાબક્યા, 10ના મોત
- ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂંટી પડ્યો, 10 વધુ લોકો ઈજાગ્રસ્ત,
- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનો વાહન વ્યવહારને અસર,
- બે ટ્રક, બે બોલેરો જીપ, રિક્ષા સહિત 7 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા
અમદાવાદઃ રાજ્યમાં આજે નેશનલ હાઈવે પર પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસ અને ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત માટે દોડી આવી હતી. આ ઘટનામાં 10ના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 10 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા. મૃતકોમાં વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા નૈતિક રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા, હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ગામ-મજાતણ, રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા, વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ગામ-ઉંડેલ, તેમજ ત્રણ અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી.
વડોદરામાં વધુ બે ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ ચાર લોકોને ગંભીર સ્થિતિમાં ખસેડવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષથી અમે નવો બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરતા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને આજે મોટી દુર્ઘટના બની છે