જી. બી. શાહ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો
અમદાવાદઃ જી. બી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે બી. કોમ. પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. પ્રારંભમાં કોલેજના દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના દરેક વિદ્યાર્થીનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. વી. કે. જોષીએ વિદ્યાર્થીઓને આવકારીને સંસ્થા પરિચય કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં ઉચ્ચ અભ્યાસનું મહત્વ સમજાવીને કોલેજના મુક્ત વાતાવરણને માણવા સાથે જવાબદારી પૂર્વક અભ્યાસ કરવાની શીખ આપી હતી.
કોમર્સ એન્ડ અકાઉન્ટન્સી વિભાગના અધ્યાપક સીએ ડૉ. કબીર મન્સુરીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ચાર વર્ષના બી. કોમ. (ઓનર્સ) પ્રોગ્રામનું માળખુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી સમજાવીને તેની સેમેસ્ટર વાઈઝ ક્રેડીટ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં ભણવાના વિષયોની જાણકારી આપીને કોલેજ અને યુનીવર્સીટી સ્તરે થનાર મૂલ્યાંકન પદ્ધતિ બાબતે પણ સમજ આપી હતી.
ત્યારબાદ કોલેજના દરેક અધ્યાપક અને વહીવટી કર્મચારીનો પરિચય કરાવીને કોલેજની અભ્યાસેતર પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે આંકડાશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ. ભાવેશ સાધુએ આભારવિધિ કરી હતી અને દરેક વિદ્યાર્થીને વેલકમ ગીફ્ટ તરીકે બોલપેન આપવામાં આવી હતી.