વારંવાર વસ્તુઓ ભૂલવી અને મૂડ સ્વિંગ – વિટામિન Kની ઉણપનો સંકેત
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ શારીરિક તંદુરસ્તી જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે. તાજેતરના સંશોધનમાં ખુલ્યું છે કે શરીરમાં વિટામિન Kની ઉણપ માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
- ઉણપના મુખ્ય લક્ષણો
વારંવાર વસ્તુઓ ભૂલવી, મૂડ સ્વિંગ થવું, યાદશક્તિ નબળી પડવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તથા ડિપ્રેશન અને ચિંતા વધવાની શક્યતાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિટામિન Kની ઉણપ અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા ગંભીર માનસિક રોગોના જોખમને પણ વધારી શકે છે.
- વિટામિન Kનું મહત્વ
સામાન્ય રીતે વિટામિન K લોહી ગંઠાઈ જવા અને હાડકાના સ્વાસ્થ્ય માટે જાણીતું છે. પરંતુ સંશોધન દર્શાવે છે કે આ વિટામિન મગજના ન્યુરોનલ કાર્યને સુધારે છે અને ન્યુરોપ્રોટેક્ટિવ ગુણધર્મો દ્વારા મગજના કોષોને રક્ષણ આપે છે. તણાવ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે. બળતરા વિરોધી ગુણધર્મો દ્વારા મગજમાં સોજો ઘટાડે છે. તેમજ માનસિક તણાવ, હતાશા અને ચિંતા ટાળવામાં મદદરૂપ છે.
- કયા ખોરાકમાંથી મળશે વિટામિન K?
વય વધતા શરીરમાં વિટામિન Kનું પ્રમાણ ઘટી શકે છે. તેથી દૈનિક આહારમાં તેનો સમાવેશ કરવો જરૂરી છે. વિટામિન Kથી ભરપૂર ખાદ્યપદાર્થોમાં પાંદડાવાળા લીલા શાકભાજી (પાલક, કેળ, મેથી), બ્રોકોલી, કોબીજ, વટાણા તથા સોયાબીન તેલનો સમાવેશ થાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે તંદુરસ્ત મગજ અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આ પ્રકારના ખોરાકનો નિયમિત સેવન કરવો જોઈએ.