ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ સેબેસ્ટિયન લેકોર્નુને ફરીથી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મેક્રોને લેકોર્નુને રાજકીય ગતિરોધનો અંત લાવવા માટે સરકાર બનાવવા અને બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરવા કહ્યું છે. લેકોર્નુની પુનઃનિયુક્તિ તેમના રાજીનામાના એક અઠવાડિયાથી પણ ઓછા સમય પછી અને દિવસોની વાટાઘાટો બાદ થઈ છે.
ફ્રાન્સના વધતા આર્થિક પડકારો અને તેના વધતા દેવાને લગતા રાજકીય સંકટથી યુરોપિયન સંઘ પણ ચિંતિત છે. રાષ્ટ્રપતિ મેક્રો દ્વારા તેમની નિમણૂકની જાહેરાત બાદ લેકોર્નુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે તેમણે પ્રધાનમંત્રી પદ સ્વીકારી લીધુ છે. તેમણે કહ્યું કે તેમને વર્ષના અંત સુધીમાં ફ્રાન્સનું બજેટ રજૂ કરવાનું અને દેશના નાગરિકોની દૈનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
લેકોર્નુએ કહ્યું કે નવી સરકારમાં સામેલ તમામ લોકોએ 2027 માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની મહત્વાકાંક્ષા છોડી દેવી પડશે. નવા મંત્રીમંડળની રચનાના થોડા કલાકો બાદ શ્રી લેકોર્નુએ સોમવારે અચાનક રાજીનામું આપી દીધું.