મજૂરના નામે ફર્મ ખોલીને ઠગોએ કરોડોનું ટર્નઓવર કર્યું, GST નોટિસ મળતા કૌભાંડનો પર્દાફાશ
જૌનપુર : ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રોહિત નામના યુવાન કરોડો રૂપિયાની GST નોટિસ મળતાં ખળભળાટ મચી ગયો છે. કાગળોમાં તેના નામે ‘આર.કે. ટ્રેડર્સ’ નામની ફર્મ ચલાવવામાં આવી હતી, જે મારફતે માત્ર એક મહિનામાં ₹24 કરોડ 55 લાખ 80 હજારનું ટર્નઓવર બતાવવામાં આવ્યું હતું. રોહિત સરોજને 30 ઓગસ્ટે જૌનપુરના ઉપયુક્ત રાજ્યકર અને સહાયક આયુક્ત GST કચેરી તરફથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મુજબ, ફર્મે મોટા પાયે લેવડ-દેવડ કરી, પરંતુ GST જમા ન કર્યાને કારણે હવે ₹4 કરોડ 42 લાખ 4 હજાર 400ની બાકીદારી દર્શાવવામાં આવી છે. ગરીબ મજૂર અને તેના પરિવારજનોએ અધિકારીઓને સ્પષ્ટતા કરી કે તેઓ રોજિંદી મજૂરીથી માત્ર દસથી પંદર હજાર કમાય છે અને કોઈ વ્યવસાય ધરાવતા નથી.
રોહિત સરોજે જણાવ્યું કે થોડા સમય પહેલા એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલરએ પોતાને દૂરના સગા તરીકે ઓળખાવ્યો અને નોકરી અપાવવાની લાલચ આપીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને બાદમાં મોબાઈલ પર આવેલ OTP પણ લઈ લીધો હતો. ત્યાર બાદ કોઈ નોકરી તો મળી નહીં, પરંતુ અચાનક કરોડોની GST નોટિસ ઘેર આવી પહોંચી છે. આ ઘટના બાદ રોહિત સરોજે પોતાના સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસ મહાનિરીક્ષક સહિત અધિકારીઓને અરજી કરી છે અને ન્યાય માગ્યો છે. હાલ મુંગરાબાદશાહપુર પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ચૂકી છે અને કાવતરાખોરોને શોધી કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યાં છે.