For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઠાસરાના ઉધમતપુરા ગામ નજીક કેનાલ પાસે દીપડાએ હુમલો કરતા ચાર યુવાનો ઘવાયા

05:05 PM Dec 03, 2025 IST | Vinayak Barot
ઠાસરાના ઉધમતપુરા ગામ નજીક કેનાલ પાસે દીપડાએ હુમલો કરતા ચાર યુવાનો ઘવાયા
Advertisement
  • ગામના યુવાનોને દીપડો આવ્યાની જાણ થતા તેને જોવા માટે ગયા હતા,
  • દીપડાએ ઝાડીમાંથી આવીને અચાનક હુમલો કરતા કેટલાક યુવાનો કેનાલમાં કૂદી પડ્યા,
  • વન વિભાગે 2 પાંજરા મૂકી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી

નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના‎ માર્ગ પર દીપડો આવ્યાના વાવડ મળતા ગામના કેટલાક યુવાનો દીપડાને જોવા માટે દોડી ગયા હતા. અને દીપડાની શોધખોળ કરતા હતા ત્યારે જ કેનાલ નજીકની ઝાડીમાં અચાનક આવેલા દીપડાએ યુવાનો પાછળ દોડ મુકતા યુવાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. કેટલાક યુવાનો બચવા માટે કેનાલમાં કૂદી પડયા હતા, દીપડાના હુમલામાં ચાર યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા‎બાદ દીપડો ફરી ઝાડીઓમાં ફરાર થઇ જતાં વન વિભાગે ‎2 પાંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી છે.‎

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ઠાસરા તાલુકામાં આવેલા ઉધમતપુરાથી જલાનગર ‎જવાના માર્ગ પર આવેલી કેનાલ પાસે દીપડો દેખાયો ‎હોવાની ચર્ચા બાદ કેટલાક યુવકો કેનાલ પાસે‎ તપાસ કરવા અને દીપડો જોવા ગયા હતા. આ સમયે‎ આસપાસના ગ્રામજનો પણ એકત્ર થઈ જતાં કેનાલની‎ આસપાસ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. યુવાનો કેનાલની બંને તરફ દીપડાને શોધી રહ્યા હતા. આ ‎દરમિયાન અચાનક દીપડો ઝાડી- ઝાંખરામાંથી નીકળી‎ ટોળાં તરફ દોડી આવતાં ટોળાંમાં નાસભાગ મચી ગઇ‎ હતી. દરમિયાન દીપડાએ હવામાં છલાંગ લગાવી એક યુવક પર હુમલો કર્યા બાદ ઝાડીમાં ભાગી ગયો હતો. જોકે, એ પહેલાં દીપડાએ ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં વિનુભાઇ રાઠોડ, અર્જુનભાઇ તળપદા, પ્રવેશકુમાર પરમાર અને જયેશભાઇ પરમાર દીપડાના હુમલાના કારણે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઇજા અર્જુનભાઇ તળપદાને પહોંચતા તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને તેને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે, હજી સુધી દીપડો પાંજરે ન પૂરાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે ખેડા જિલ્લા ફોરેસ્ટ અધિકારીએ વીડિયોમાં લોકોને દીપડાથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને બહાર બાંધેલા ઢોરોની પાસે ન સૂવા જેવી સૂચનાઓ આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement