પ્રયાગરાજ હાઈવે પર ડમ્પર સાથે કાર અથડાતા ચાર વ્યક્તિના મોત
લખનૌઃ ફતેહપુર જિલ્લાના કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર ખાગા કોટવાલી વિસ્તારમાં સુજાનીપુર ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી કાર રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરને અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પોલીસની ટીમને જાણ કરી હતી.
આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અહીં ચાર કાર સવારોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતી રાત્રે 10 વાગ્યે ઝાંસીથી પ્રયાગરાજમાં તેમના પુત્રની અસ્થિઓનું વિસર્જન કરવા માટે નીકળ્યા હતા.
ઝાંસીના શહેર અને જિલ્લાના દીનદયાળ નગરના રહેવાસી રામકુમાર શર્મા (ઉ.વ 55), તેની પત્ની કમલેશ ભાર્ગવ (ઉ.વ 50), સંબંધીઓ શુભમ (ઉ.વ. 35), ગુરુસરાય ઝાંસીનો રહેવાસી, પરાગ ચૌબે (ઉ.વ. 50), આદિત્યની પત્ની ચારુ (ઉ.વ. 35) અને 12 વર્ષીય કાશવિક કારમાં પ્રયાગરાજ જઈ રહ્યાં હતા. શનિવારે સવારે કાર ખાગા કોતવાલીના સુજાનીપુર ચૌરાહામાં હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ ઘડાકાભેર કાર અથડાઈ હતી.
આ દૂર્ઘટનામાં રામકુમાર, તેમની પત્ની કમલેશ ભાર્ગવ, સંબંધી શુભમ અને પરાગ ચૌબેના મોત થયાં હતા. જ્યારે ઘાયલ ચારુ અને કાશ્વિકને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ત્યાંથી ભાગી ગયો હતો.