લખીમપુર પાસે બાઈકને બસે ટક્કર મારતા એક જ પરિવારના ચારના મોત, બાળકીનો બચાવ
લખનૌઃ લખીમપુર ખેરીના ગોલા ગોકરનાથમાં બાઈક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને સાસરી પરત ફરી રહેલી એક મહિલા, તેના પતિ, પુત્ર અને સસરા એક જ બાઈક ઉપર જઈ રહ્યાં હતા. ત્યારે ઋષિકેશ ડેપોની બસે બાઈકને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયાં હતા. જ્યારે પાંચ વર્ષની બાળકી ઘાયલ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સંસારપુરના રહેવાસી નથ્થુની પત્ની વિદ્યા દેવી (65)નું લાંબી બીમારી બાદ મંગળવારે સવારે અવસાન થયું હતું. ભીરા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુરમાં પરિણીત તેમની પુત્રી રાધા (27) તેના પરિવાર સાથે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગઈ હતી. પરત ફરતી વખતે, રાધા, તેનો પતિ શિવકુમાર (ઉ.વ. 30), પુત્ર શિવાંશ (ઉ.વ. 8), પુત્રી શિવી (ઉ.વ 5) અને સસરા રામુતર (ઉ.વ 60) એક જ બાઇક પર સવાર હતા. દરમિયાન ગોલા-ખુટાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેડવા પુલ પાસે ઋષિકેશ ડેપોથી એક રોડવેઝ બસે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘવાયેલા રાધા, શિવકુમાર, રામુતર અને શિવાંશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તબીબે ચારેયને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્રી શિવીને ઈજા થઈ હતી. બાળકી બાઈક ઉપરથી નીચે પટકાતા તેનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.