ગોધરામાં રહેણાંકના મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત
- રાત્રે સૂતેલો દોશી પરિવાર સવારે જાગી ન શક્યો,
- દોશી પરિવાર પૂત્રની સગાઈ માટે સવારે વાપી જવાનો હતો,
- દોશી પરિવારની સગાઈની ખુશી માતમમાં ફેરવાઈ
ગોધરાઃ પંચમહાલના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક મકાનમાં લાગેલી ભીષણ આગે પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા હતા, અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટનામાં જ્યાં 'શરણાઈ'ના સૂર રેલાય એ પહેલાં જ એક હસતા-ખેલતા પરિવારના ચાર સભ્યનાં કરુણ મોત નીપજતા ગમગીની વ્યાપી ગઈ હતી. પરિવાર સવારે પોતાના પૂત્રની સગાઈ માટે વાપી જવાનો હતો. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ગોધરા શહેરમાં બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં અંકુર સોસાયટીના એક મકાનમાં વહેલી પરોઢે કોઈ કારણસર આગ લાગી હતી. પરિવારના ચાર સભ્યોનું આગને કારણે ઊંઘમાં જ મોત થયા હતા. સવારે જ્યારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, અને ફાયર વિભાગે ત્વરિત પહોંચી જઈને તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કરુણ દુર્ઘટનામાં દોશી પરિવારના ચાર સભ્યનાં મોત થયાં હતા. જેમાં કમલભાઈ દોશી (ઉં.વ. 50) - પિતા અને જ્વેલર્સના માલિક, દેવલબેન દોશી (ઉં.વ. 45) – માતા, દેવ કમલભાઈ દોશી (ઉં.વ. 24) - જેની સગાઈ હતી તે યુવાન પુત્ર અને રાજ કમલભાઈ દોશી (ઉં.વ. 22) - નાનો પુત્રનો સમાવેશ થાય છે.
ગોધરાના બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રીનગર (સેતુ ક્લબ પાસે)માં રહેતો અને શહેરમાં જાણીતા 'વર્ધમાન જ્વેલર્સ'ના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો. આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો. ગઈકાલે રાત્રે પિતા કમલભાઈ દોશી (ઉં.વ. 50), માતા દેવલબેન દોશી (ઉં.વ. 45) અને તેમના બે આશાસ્પદ યુવાન પુત્ર દેવ (ઉં.વ. 24) અને રાજ (ઉં.વ. 22) આવતીકાલના શુભ પ્રસંગની ચર્ચા કરતાં અને હસી-મજાક કરતાં સૂતાં હતાં. તેમને ક્યાં ખબર હતી કે એ રાત તેમની છેલ્લી રાત સાબિત થવાની છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ મોડીરાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટસર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યનાં ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરુણ મોત નીપજ્યાં હતા.