ભાવનગર નજીક વાળુકડ ગામે બે બાળકો પર 4 શ્વાને કર્યો હુમલો, એક બાળકનું મોત
- શ્રમજીવી પરિવારના બે બાળકો ઘર આંગણે રમતા હતા,
- 4 સ્વાન આવીને બન્ને બાળકોને ખેંચી ગયા હતા,
- બચાવવા ગયેલી બાળકની માતાને પણ કૂતારાએ બચકા ભર્યા
ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ ગામની વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો ઉપર ચાર જેટલા શ્વાને હુમલો કર્યો હતો. ઘર આંગણે રમી રહેલા બે બાળકોને શ્વાને ખેંચી વાડીમાં લઇ ગયા હતા, બાળકોએ બુમાબુમ કરતા તેની માતા બંન્ને બાળકોને બચાવવા દોડી હતી પરંતુ એક બાળકનું માતા સામે જ કરૂણ મોત નિપજ્યું હતું. બચાવવા દોડેલી માતાને પણ શ્વાને બચકા ભરતા માતા અને તેના અઢી વર્ષીય બાળકને ગંભીર હાલતે ભાવનગર ખાતેની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં બંન્નેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુળ છોટાઉદેપુરના શેરડી ગામે રહેતા મુકેશભાઇ સુખરામભાઇ રાઠવા તેના પત્નિ અને પાંચ બાળકો સાથે પાલિતાણાના વાળુકડ ગામે એક વાડી ભાગ્યા તરીકે રાખી હતી. આજે સવારના સુમારે મુકેશભાઇ વાડી માલિકના ઘરે દવાનો પંપ લેવા ગયા હતા જે વેળાએ તેમના બે બાળકો કુશાલ રાઠવા (ઉ.વ.4) અને રસ્મિક રાઠવા (ઉ.વ.2.5) બંન્ને ઘરની ઓસરીએ બેઠા-બેઠા રમતા હતા તે વેળાએ અચાનક ચાર જેટલા શ્વાનો ત્યાં ધસી આવ્યા હતા અને કુશાલ અને રસ્મિક પર હુમલો કર્યો હતો.આથી બન્ને બાળકોએ બુમાબુમ કરતા 4 શ્વાન કુશાલને ખેંચીને વાડીમાં લઇ ગયા હતા અને બાદમાં રસ્મિકભાઇ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. બંન્ને બાળકોનો રડવાનો અવાજ સાંભળી તેમના માતા આશાબેન રાઠવા બાળકોને બચાવવા દોડી ગયા હતા. જ્યાં શ્વાનોએ પણ તેના ઉપર હુમલો કરતા ત્રણેય માતા-પુત્રોને ગંભીર ઇજા થઇ હતી જેમાં કુશાલને પેટના ભાગે ગંભીર ઇજા થતાં માતાની સામે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે રસ્મિકભાઇ અને આશાબેનને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેમજ મૃતક કુશાલને પી.એમ.માટે ભાવનગર ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ વાળુકડના ગ્રામજનો તેમજ પાલિતાણા રૂરલ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇ અકસ્માતે મોત થયાની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
વાડી માલિક ભરતભાઇએ જણાવ્યું હતું કે, મુકેશભાઇ તેમજ તેમના પત્નિ આશાબેન બંન્ને પાંચેય બાળકો સાથે છોટાઉદેપુરથી દોઢેક માસ અગાઉ વાડી ભાગ્યા તરીકે રાખી હતી. અને તેમનો પરિવાર વાડીએ આવેલ મકાનમાં રહેતા હતા.ત્યારે આજે બાળકો અને તેમની માતા ઘરે એકલા હતા તે વેળાએ ચાર જેટલા શ્વાને બાળકો ઉપર હુમલો કર્યો હતો.