વિજાપુરના ગેરિતામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અગ્નીપરીક્ષા લેનારા ચારની ધરપકડ
- ચારિત્ર્યના પારખા કરવા ઊકળતા તેલમાં મહિલાના હાથ નખાવ્યા હતા,
- મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ,
- અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં પીડિતાના પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં શુક્રવારે ધૃણાસ્પદ ઘટના બની હતી. એક પરિણીત મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ નખાવવાની ક્રૂર ઘટના બની હતી. એટલું જ નહીં, પીડિતા પર ગરમ તેલ પણ નાખવામાં આવતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે પોલીસે પીડિતાની નણંદ અને નણદોઇ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં રહેતી એક પરિણીતા પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી શંકાના આધારે, પરિણીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સમાજમાં પ્રવર્તતી કુરિવાજ અને અંધશ્રદ્ધાને વશ થઈને, સાસરિયાઓએ 'અગ્નિપરીક્ષા' જેવી પ્રથા અપનાવી હતી. પીડિતાને ગરમ ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેમાં હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં, પીડિતાના પગ પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું હતુ. જેના કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. વિજાપુર પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને પીડિતાની નણંદ, નણદોઇ સહિત સાસરીપક્ષના કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંધશ્રદ્ધાના નામે થતા અત્યાચાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.